ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કર ડૂબવામાં 9 ક્રૂ મેમ્બરોનો બચાવવાયો જીવ, હજુ 7 લાપતા
ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કર ભરેલું જહાજ ડુબી જવાની ઘટનામાં 16 ક્રૂ મેમ્બરોમાંથી નવ લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કર ભરેલું જહાજ ડુબી જવાની ઘટનામાં 16 ક્રૂ મેમ્બરોમાંથી નવ લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે હજુ અન્ય 7 લોકોની શોધખોળ ચાલી રહી છે. બચાવાયેલા નવ લોકોમાં આઠ ભારતીયો અને એક શ્રીલંકન નાગરીક છે. ઉલ્લેખનીય છે કે, દરિયામાં એક ઓઈલ ટેન્કર પલટી મારી ગયું હતું. જેમાં 13 ભારતીય અને 3 શ્રીલંકા સહિત કુલ 16 ક્રૂ-મેમ્બર હતા.
ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કર ભરેલું જહાજ ડૂબી ગયું હોવાની માહિતી મળ્યા બાદ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ આઈએનએસને રાહત અને બચાવ કામગરી માટે તુરંત મોકલી દેવાયું હતું. આઈએનએસ ઉપરાંત દરિયાઈ પેટ્રોલિંગ વિમાન P-81ને પણ બચાવ-રાહત કાર્યમાં જોડાયું હતું. મળતા અહેવાલો મુજબ દરિયામાં જે જહાજ ડૂબ્યું છે, તેના પર કોમોરોસનો ઝંડો લગાવાયેલો હતો.
યમન તરફ જઈ રહ્યું હતું જહાજ
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓઈલ ટેન્કર યમનના બંદર શહેર અદન તરફ જઈ રહ્યું હતું. ઓઈલ ટેન્કર પાણીમાં ડૂબીને ઊંધુ પડ્યું હતું. શિપિંગ ડેટાના આંકડા પ્રમાણે આ જહાજનું નિર્માણ 2007માં કરવામાં આવ્યું હતું. આ જહાજ 117 મીટર લાંબુ છે. સામાન્ય રીતે આવા નાના ટેન્કરોનો ઉપયોગ ટૂંકી મુસાફરી માટે કરવામાં આવે છે.








