અમેરિકાના બીજા સૌથી મોટા શહેરમાં ભારતની દીકરીનો દમદાર વિજય, જાણો કોણ છે નિત્યા રમન

અમેરિકાના બીજા સૌથી મોટા શહેરમાં ભારતની દીકરીનો દમદાર વિજય, જાણો કોણ છે નિત્યા રમન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લોસ એન્જલસમાં ભારતીય મૂળની નિત્યા રમને મેયરપદની ચૂંટણીમાં વર્તમાન મેયર કેરેન બાસને હરાવીને મોટી રાજકીય જીત મેળવી હતી. 1981માં કેરળમાં જન્મેલી નિત્યા રમન છ વર્ષની ઉંમરે અમેરિકા જતાં રહ્યાં હતાં. હવે તેઓ લોસ એન્જલસના મેયરપદની રેસમાં બાસને પાછળ છોડીને અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળની વધુ એક અગ્રણી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યાં છે. જોકે, મતગણતરી પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું અંતિમ પરિણામ સ્પષ્ટ થશે. નિત્યા રમન 2020માં પ્રથમ વખત લોસ એન્જલસ સિટી કાઉન્સિલમાં ચૂંટાયાં હતાં. તેમણે ફેબ્રુઆરીમાં મેયરપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલાં જ તેમણે કેરેન બાસને જાહેરમાં સમર્થન આપ્યું હતું. જોકે, બાદમાં બંને વચ્ચેની ચૂંટણી પેઢીગત અને રાજકીય ટક્કરમાં ફેરવાઈ ગઈ હતી.

ચૂંટણીમાં ઘરવિહોણા લોકો, સુરક્ષા અને સસ્તાં મકાનો મુખ્ય મુદ્દા

જાહેરાત

ચૂંટણીમાં બંને ઉમેદવારોએ જાહેર સુરક્ષા, સસ્તાં મકાનો અને ઘરવિહોણા લોકોની સમસ્યાના ઉકેલ માટે અલગ-અલગ અભિગમ રજૂ કર્યા હતા. કેરેન બાસને શહેરના રાજકીય સ્થાપિત વર્ગનું સમર્થન મળ્યું હતું. તેમાં લોસ એન્જલસ કાઉન્ટી ફેડરેશન ઑફ લેબર અને કાઉન્ટીની ડેમોક્રેટિક પાર્ટીનો સમાવેશ થાય છે. બીજી તરફ, નિત્યા રમનને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ્સ ઑફ અમેરિકા અને પરિવહન ક્ષેત્રે કામ કરતા સંગઠન સ્ટ્રીટ્સ ફોર ઑલ જેવા જૂથોનો ટેકો મળ્યો હતો. ચૂંટણીના અંતિમ દિવસોમાં બંનેના પ્રચારની રીત પણ અલગ હતી. કેરેન બાસે વેસ્ટ એડમ્સ અને નોર્થરિજના સિનિયર સિટિઝન સેન્ટરોની મુલાકાત લઈને વૃદ્ધ મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે નિત્યા રમને બાર, નાઇટ ક્લબ અને કોલેજ કેમ્પસમાં પ્રચાર કરીને શહેરના વહીવટમાં પરિવર્તન લાવવાનો સંદેશ આપ્યો હતો.

પેલિસેડ્સ આગ બાદ કેરેન બાસની લોકપ્રિયતામાં ઘટાડો

કેરેન બાસ અગાઉ અમેરિકાની કોંગ્રેસ અને કેલિફોર્નિયા રાજ્યની વિધાનસભાનાં સભ્ય રહી ચૂક્યાં છે. જોકે, 2 જૂને યોજાયેલી પ્રાથમિક ચૂંટણીમાં તેમને માત્ર 34 ટકા મત મળ્યા હતા. વર્તમાન મેયર માટે આ નબળું પ્રદર્શન માનવામાં આવ્યું હતું. વર્ષ 2025માં પેલિસેડ્સ વિસ્તારમાં લાગેલી ભીષણ આગ બાદ બાસની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. આગ લાગી ત્યારે તેઓ રાજદ્વારી મિશન પર દેશની બહાર હતાં. ચૂંટણી પ્રચાર દરમિયાન બાસે પોતાની સરકારની કામગીરીનો બચાવ કરતાં હિંસક ગુનાઓમાં ઘટાડો, સસ્તાં મકાનોના પ્રોજેક્ટને ઝડપી બનાવવા અને ઘરવિહોણા લોકોની સમસ્યા ઉકેલવા માટે કરેલા પ્રયાસો ગણાવ્યા હતા. તેમના વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, રસ્તાઓ અને વાહનોમાં રહેતા ઘરવિહોણા લોકોની સંખ્યામાં 11 ટકાનો ઘટાડો થયો હતો.

ગરીબી હટાવોનું સુત્ર અમેરિકામાં પણ સફળ

જોકે, નિત્યા રમને બાસની નીતિઓની ટીકા કરતાં તેને ખર્ચાળ અને બિનઅસરકારક ગણાવી હતી. તેમણે પોતાના હોલિવૂડ હિલ્સ વિસ્તારમાં ઘરવિહોણા લોકોનાં અસ્થાયી કેમ્પમાં ઘટાડો થયાનો ઉલ્લેખ કરીને લોસ એન્જલસમાં રસ્તાઓ પર રહેતા લોકોની સંખ્યા જૂન 2028 સુધીમાં અડધી કરવાનો વાયદો કર્યો હતો. ઉપરાંત, પોતાના પ્રથમ ચાર વર્ષના કાર્યકાળના અંત સુધીમાં આ સમસ્યા સંપૂર્ણપણે દૂર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

ચૂંટણી પહેલાં નિત્યા રમને સમર્થકોને સાવચેત રહેવા કહ્યું

ચૂંટણીની રાત્રે મંગળવારે ગ્રીક થિયેટર પ્લાઝા ખાતે સમર્થકોને સંબોધતાં નિત્યા રમને જીતની સીધી જાહેરાત કરી નહોતી. તેમણે સમર્થકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.તેમણે કહ્યું હતું, “હું આશાવાદી છું. ખૂબ આશાવાદી છું. પરંતુ હું અંધશ્રદ્ધાળુ પણ છું. તેથી આપણે બધા શાંત રહીએ, ઠીક છે? એકદમ શાંત.” જૂન મહિનાની પ્રાથમિક ચૂંટણી બાદ બંને ઉમેદવારોને બહારનાં રાજકીય જૂથો તરફથી મોટું આર્થિક સમર્થન પણ મળ્યું હતું. બર્કલે IGS અને લોસ એન્જલસ ટાઇમ્સ દ્વારા 19થી 25 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે લગભગ 40 ટકા સંભવિત મતદારો નવા મેયર માટે ઘરવિહોણા લોકોનાં કેમ્પ ઘટાડવાને સૌથી મહત્ત્વની પ્રાથમિકતા માને છે. જ્યારે લગભગ 30 ટકા મતદારોએ જાહેર સુરક્ષા અને વધુ સસ્તાં મકાનોના નિર્માણને મહત્ત્વના મુદ્દા ગણાવ્યા હતા.

કોણ છે નિત્યા રમન?

નિત્યા રમનનો જન્મ 1981માં કેરળમાં થયો હતો. તેઓ છ વર્ષની ઉંમરે પરિવાર સાથે અમેરિકા ગયાં હતાં અને 22 વર્ષની ઉંમરે અમેરિકાના નાગરિક બન્યાં હતાં.

  • શિક્ષણ: તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT)માંથી અર્બન પ્લાનિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.
  • સામાજિક કાર્ય: ચૂંટણીના રાજકારણમાં પ્રવેશતાં પહેલાં તેમણે 'ટ્રાન્સપરન્ટ ચેન્નાઈ' નામની શહેરી સંશોધન સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ સુધારવા માટે કામ કરતી હતી.
  • લોસ એન્જલસમાં કામગીરી: 2013માં લોસ એન્જલસ ગયા બાદ તેમણે શહેરના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટિવ ઑફિસર સાથે કામ કર્યું હતું. તેમણે SELAH નેબરહૂડ હોમલેસ કોએલિશનની સ્થાપનામાં મદદ કરી હતી અને ટાઇમ્સ અપ એન્ટરટેઇનમેન્ટનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ કામગીરી કરી હતી.
  • રાજકીય સફર: 2020માં પ્રથમ વખત લોસ એન્જલસ સિટી કાઉન્સિલમાં ચૂંટાયાં હતાં અને 2026માં મેયરપદની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યાં હતાં.
    નિત્યા રમનની વર્તમાન મેયર કેરેન બાસ સામેની સરસાઈને લોસ એન્જલસના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે. જોકે, અંતિમ પરિણામ માટે મતગણતરી પૂર્ણ થવાની રાહ જોવી પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત