મિડટર્મ ચૂંટણીમાં હાર છતાં ટ્રમ્પના હાથમાં રહેશે આ ખાસ પાવર; જાણો શું છે અમેરિકાના રાષ્ટ્રપતિનો 'વીટો' અધિકાર?

અમેરિકન રાજકારણમાં સત્તાની સાઠમારી હંમેશાં રસપ્રદ રહી છે. 2026ની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ પ્રતિનિધિ ગૃહ (House of Representatives) અને સેનેટ બંને પર નિયંત્રણ મેળવ્યા બાદ વોશિંગ્ટનમાં સત્તાનું નવું સમીકરણ રચાયું છે. આ રાજકીય બદલાવ વચ્ચે ‘વીટો’ (Veto) અમેરિકામાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ બની ગયો છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ‘વીટો’ લખેલી લાલ MAGA ટોપી પહેરેલો ફોટો પોસ્ટ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ કોંગ્રેસ દ્વારા પસાર થતા કાયદા રોકવા માટે પોતાની આ બંધારણીય શક્તિનો પૂરો ઉપયોગ કરશે. ચાલો જાણીએ કે અમેરિકન પ્રમુખની વિશેષ શક્તિ એવો ‘વીટો પાવર’ કેવી રીતે કામ કરે છે?
ચૂંટણી પરિણામો બાબતે ટ્રમ્પનો ખુલ્લો પડકાર
ડેમોક્રેટ્સને આ ચૂંટણી જીતવામાં ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતાનો લાભ મળ્યો. જીતને કારણે ડેમોક્રેટિક પાર્ટી હવે પ્રમુખના બાકીના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારની નીતિઓ અને નિર્ણયો પર કડક નિયંત્રણ રાખી શકશે. જોકે, હાર છતાં ટ્રમ્પનું વલણ અડગ જોવા મળ્યું છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસના કાયદા અટકાવવા માટે તેમની પાસે વીટો પાવર છે. સત્તાના આ નવા વિભાજન વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, ‘તેઓ વાહિયાત કાયદા મોકલશે, અને હું તેમને વીટો પાવર વાપરીને નામંજૂર કરીશ.’ તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળમાં પણ ઘણી વાર આવું બન્યું છે; વીટો એ પ્રમુખ પાસે રહેલી સૌથી મોટી શક્તિઓમાંની એક છે.
પરિણામોનો સ્વીકાર કર્યો
મિડટર્મ ચૂંટણીના શરૂઆતના વલણોમાં ડેમોક્રેટ્સ આગળ હતા, ત્યારે ટ્રમ્પે પોતાની જાતને પોતાની પાર્ટીની હારથી અળગી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પણ બાદમાં એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં તેમણે નરમ વલણ દર્શાવતા કહ્યું કે, ‘હું આ પરિણામો સ્વીકારવા સંપૂર્ણપણે તૈયાર છું. અમે ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરીશું અને કોઈ રસ્તો શોધીશું.’
અમેરિકન પ્રમુખનો વીટો પાવર શું છે?
અમેરિકન બંધારણના અનુચ્છેદ 1 અને 2 હેઠળ પ્રમુખને વીટો પાવર અપાયો છે. આ એક એવી કાયદાકીય સત્તા છે, જે પ્રમુખને કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કોઈપણ બિલ પર સહી કરવાનો ઇનકાર કરવાની મંજૂરી આપે છે, જેથી તે બિલ કાયદો બની શકતું નથી. વીટોના મુખ્ય બે પ્રકાર હોય છે.
રેગ્યુલર વીટો (Regular Veto): જ્યારે પ્રમુખ બિલ સાથે અસંમત હોય ત્યારે તેઓ કારણો સાથે તે બિલ કોંગ્રેસમાં પાછું મોકલે છે.
પોકેટ વીટો (Pocket Veto): જો પ્રમુખ બિલ પર 10 દિવસ સુધી કોઈ સહી ન કરે અને તે જ સમયગાળામાં કોંગ્રેસનું સત્ર પૂરું થઈ જાય તો બિલ આપોઆપ રદ થઈ જાય છે.
શું કોંગ્રેસ વીટોને રદ કરી શકે છે?
અમેરિકન કાયદાકીય પ્રણાલીમાં પ્રમુખનો વીટો અંતિમ નથી. જો પ્રમુખ બિલને વીટો કરે તો તે કોંગ્રેસમાં પાછું જાય છે. જો પ્રતિનિધિ ગૃહ અને સેનેટ બંને ફરીથી તે બિલને 2/3 (બે-તૃતીયાંશ) બહુમતીથી પસાર કરે તો પ્રમુખનો વીટો રદ થઈ જાય છે. આવા કિસ્સામાં પ્રમુખની સહી વિના પણ બિલ કાયદો બની જાય છે. ઇતિહાસમાં નોંધાયેલા કુલ વીટોમાંથી માત્ર 4 થી 7 ટકા વીટો જ કોંગ્રેસ દ્વારા રદ કરી શકાયા છે.
ટ્રમ્પ વીટોનો ઉપયોગ કરી ચૂક્યા છે
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ (જાન્યુઆરી 2017 થી જાન્યુઆરી 2021) દરમિયાન ‘સરહદ કટોકટી’, ‘ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવાની સત્તાના ઠરાવ’ અને ‘સંરક્ષણ બજેટ’ જેવા મહત્ત્વના મુદ્દા પર વીટોનો ઉપયોગ કર્યો હતો.
સરહદ કટોકટી (Border Emergency): મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવા માટે ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને ફંડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે આ કટોકટી રોકવા માટે ઠરાવ પસાર કર્યો ત્યારે ટ્રમ્પે તેને રોકવા માટે વીટો વાપર્યો હતો.
ઈરાન લશ્કરી સત્તાઓનો ઠરાવ (Iran War Powers Resolution): જાન્યુઆરી 2020માં અમેરિકન સેનાએ ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાનો ખતરો ઊભો થયો હતો. આ સ્થિતિને અટકાવવા માટે અમેરિકન કોંગ્રેસે આ ઠરાવ પસાર કર્યો હતો, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, કોંગ્રેસની પૂર્વ મંજૂરી વિના અથવા અમેરિકા પર પહેલો હુમલો ન થાય એવી સ્થિતિ વિના પ્રમુખ ઈરાન સામે અમેરિકન સૈન્યનો ઉપયોગ કરી શકશે નહીં. મે 2020 માં, જ્યારે આ ઠરાવ ટ્રમ્પ પાસે સહી માટે પહોંચ્યો ત્યારે તેમણે પોતાના 'વીટો પાવર' નો ઉપયોગ કરીને તેને ફગાવી દીધો હતો. ટ્રમ્પે દલીલ કરી હતી કે આ ઠરાવ પ્રમુખની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના નિર્ણયો લેવાની બંધારણીય સત્તાઓ પર સીધો હુમલો છે, અને વીટો વાપરીને તેમણે આ પ્રસ્તાવને કાયદો બનતો અટકાવી દીધો.
સંરક્ષણ બિલ (National Defense Authorization Act - NDAA): ડિસેમ્બર 2020 માં ટ્રમ્પે 740 બિલિયન ડોલરના સંરક્ષણ બજેટ બિલ પર વીટો મૂક્યો હતો. જાન્યુઆરી 2021 માં કોંગ્રેસના બંને ગૃહોએ 2/3 બહુમતીથી આ વીટોને રદ (override) કરીને બિલને કાયદો બનાવી દીધો હતો. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં રદ થયેલો આ એકમાત્ર વીટો હતો.








