ટ્રમ્પની ચૂંટણીમાં હાર બાદ એલન મસ્કનો કટાક્ષ: 'સ્પેસ લેસર પણ કામ ન આવ્યા!'

અમેરિકાની 2026ની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યા બાદ દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કે કટાક્ષભરી પ્રતિક્રિયા આપી છે. રિપબ્લિકન ઉમેદવારોને સમર્થન આપવા માટે કરોડો ડોલર ખર્ચનાર મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તેમના કથિત 'ચૂંટણીમાં દખલ કરનારા સ્પેસ લેસર' કામ કરવામાં નિષ્ફળ રહ્યા. તેમની આ ટિપ્પણી હાલ ચર્ચાનો વિષય બની છે.
'સ્પેસ લેસર કામ ન આવ્યા' કહી મસ્કે કર્યો કટાક્ષ
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ નોંધપાત્ર સફળતા મેળવી છે. ખાસ કરીને ટેક્સાસ જેવા પરંપરાગત રિપબ્લિકન ગઢમાં ડેમોક્રેટ ઉમેદવારની જીતે રાજકીય સમીકરણો બદલી નાખ્યાં છે. આ પરિણામો બાદ એલન મસ્કે X પર વ્યંગાત્મક અંદાજમાં લખ્યું કે, તેમના કથિત ચૂંટણીમાં દખલ કરનારા સ્પેસ લેસર ઇચ્છિત પરિણામ આપવામાં નિષ્ફળ રહ્યા. આ ઉપરાંત તેમણે બીજી પોસ્ટમાં લખ્યું કે, 'હવે અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવવાનો વિચાર વધુ આકર્ષક લાગી રહ્યો છે.' મસ્કની આ પોસ્ટને ચૂંટણી પરિણામો સાથે જોડીને જોવામાં આવી રહી છે.
ટેક્સાસમાં જીત બાદ જેમ્સ ટેલારિકોનો મસ્ક પર પ્રહાર
ટેક્સાસમાં ડેમોક્રેટ ઉમેદવાર જેમ્સ ટેલારિકોની જીતને આ ચૂંટણીની સૌથી મહત્ત્વપૂર્ણ સફળતાઓમાંની એક માનવામાં આવે છે. જીત બાદ ઓસ્ટિનમાં આપેલા ભાષણમાં તેમણે એલન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. ટેલારિકોએ કહ્યું કે, તેમની સામે 30 કરોડ ડોલરથી વધુના ખર્ચવાળી ચૂંટણી ઝુંબેશ, નકારાત્મક જાહેરાતો, બદનામીના અભિયાનો, વિદેશી બોટ્સ અને AI ડીપફેક જેવી અનેક બાબતો હતી. તેમ છતાં તેમણે જીત મેળવી છે. તેમણે સોશિયલ મીડિયા અલ્ગોરિધમ પર નિયંત્રણ ધરાવતા અબજોપતિઓની પણ ટીકા કરી હતી. આ ટિપ્પણીને મસ્ક પરના સીધા પ્રહાર તરીકે જોવામાં આવી રહી છે.
રિપબ્લિકન ઉમેદવારો પાછળ મસ્કે ખર્ચ્યા હતા 250 મિલિયન ડોલર
NBC ન્યૂઝના અહેવાલ અનુસાર, એલન મસ્કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોને મદદ કરવા માટે આશરે 250 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. તેમણે ચૂંટણી દરમિયાન પાર્ટીના કોંગ્રેસના ઉમેદવારોને આર્થિક સમર્થન પૂરું પાડ્યું હતું. આટલું મોટું નાણાકીય સમર્થન આપવા છતાં રિપબ્લિકન પાર્ટીને ચૂંટણીમાં મોટો ફટકો પડતાં મસ્કની પ્રતિક્રિયા વધુ ચર્ચામાં આવી છે.
અમેરિકામાં બદલાઈ શકે છે સત્તાનું સમીકરણ
ચૂંટણીનાં પરિણામો બાદ ડેમોક્રેટિક પાર્ટીએ કોંગ્રેસમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. અમેરિકન મીડિયા નેટવર્ક્સના અનુમાન અનુસાર, ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં ફરી નિયંત્રણ મેળવી શકે છે. આ પરિણામોથી ડોનાલ્ડ ટ્રમ્પના કાયદાકીય અને રાજકીય એજન્ડાને પડકાર મળી શકે છે. બીજી તરફ, ટેક્નોલોજી અને AI ક્ષેત્રના ભવિષ્ય અંગે પણ અનિશ્ચિતતા વધી છે. ચૂંટણી પરિણામો બાદ ટેક્નોલોજી અને ડેટા સેન્ટર ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના શેરના ભાવિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે અમેરિકાની બદલાતી રાજકીય સ્થિતિની અસર ટેક્નોલોજી ઉદ્યોગ અને મસ્કના વ્યવસાયિક હિતો પર કેવી પડે છે તેના પર સૌની નજર રહેશે.







