અમેરિકામાં મહાસંગ્રામ: ટ્રમ્પની ખુરશી જોખમમાં? મોંઘવારી અને યુદ્ધ વચ્ચે 'બ્લુ વેવ' પલટી નાખશે દેશનું ભવિષ્ય!

અમેરિકામાં આજે યોજાઈ રહેલી મિડટર્મ ચૂંટણીઓ દેશના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. અમેરિકાના પ્રમુખની ચૂંટણીના બરાબર બે વર્ષ પછી યોજાતી આ ચૂંટણીઓથી નક્કી થશે કે અમેરિકન સંસદના બંને મહત્ત્વપૂર્ણ ગૃહો—સીનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કઈ રાજકીય પાર્ટીનું વર્ચસ્વ રહેશે. આ ચૂંટણીઓ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઘટી રહેલી લોકપ્રિયતા, રિપબ્લિકન પાર્ટીની પકડ અને ડેમોક્રેટ્સ પક્ષના વિજયના દાવાઓની ખરી કસોટી સમાન છે.
ટ્રમ્પ સરકાર સામે મોંઘવારી અને ઈરાન યુદ્ધ મોટો પડકાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, તેમનો 'જોબ અપ્રુવલ રેટ' ઘટીને માત્ર 39 ટકા સુધી પહોંચી ગયો છે, જ્યારે 61 ટકા અમેરિકન નાગરિકો તેમના કામકાજથી અસંતુષ્ટ જણાય છે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારી, દિન-પ્રતિદિન મોંઘી થતી આરોગ્ય સેવાઓ અને ફેબ્રુઆરીથી ઈરાન સાથે શરૂ થયેલા યુદ્ધને કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ ઘણો વધી ગયો છે. ખાસ કરીને ડીઝલના વધતા ભાવ અને આર્થિક મુશ્કેલીઓથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ આગામી સમયમાં રિપબ્લિકન પાર્ટી માટે મોટો રાજકીય પડકાર બની શકે છે અને તેના કારણે પાર્ટી 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ'માં પોતાની બહુમતી ગુમાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
રિપબ્લિકન મતદારોનું વલણ
અમેરિકાના પ્રમુખ ઓપિનિયન પોલ્સ મુજબ દેશમાં ડેમોક્રેટ્સના સમર્થનમાં એક મોટી લહેર ('બ્લુ વેવ') જોવા મળી રહી છે. પોલ્સના અંદાજ અનુસાર, ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 250 જેટલી સીટ મેળવી શકે છે અને સીનેટમાં પણ તેમની સ્થિતિ મજબૂત બનીને 53થી 54 સીટ સુધી પહોંચી શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે માત્ર પોલ્સના આધારે આખરી પરિણામ નક્કી કરી શકાય નહીં, કારણ કે રિપબ્લિકન મતદારો અવારનવાર સર્વેક્ષણોમાં ભાગ લેવાનું ટાળતા હોય છે.
બંને પક્ષોની સૌથી મોટી તાકાત અને નબળાઈ
રિપબ્લિકન પાર્ટીની સૌથી મોટી તાકાત તેમની રૂઢિચુસ્ત વિચારધારા અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે તેમના 'માગા' (MAGA) સમર્થકોનો અડીખમ ભરોસો છે. જોકે, દેશમાં વધી રહેલી મોંઘવારી અને ઈરાન સાથેનું યુદ્ધ હાલમાં તેમની સૌથી મોટી નબળાઈ બની ગયા છે.
બીજી તરફ, ડેમોક્રેટ્સને પ્રવર્તમાન સરકાર સામેના વિરોધનો મોટો ફાયદો મળી રહ્યો છે. આમ છતાં, ડેમોક્રેટ્સ સામે સૌથી મોટો પડકાર પોતાના સમર્થકો અને અપક્ષ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડીને વધુમાં વધુ મતદાન કરાવવાનો છે, જેથી 2016ની ચૂંટણી જેવી ભૂલનું પુનરાવર્તન ન થાય.
ચૂંટણી પરિણામોથી ટ્રમ્પ સરકાર પર શું અસર પડશે?
જો રિપબ્લિકન પાર્ટી આ ચૂંટણી હારી જાય તો પણ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ છોડવું પડશે નહીં, તેઓ વ્હાઇટ હાઉસમાં જ રહેશે. વિદેશ નીતિ, ટેરિફ, ટ્રેડ પોલિસી અને યુદ્ધ સંબંધિત તમામ નિર્ણયો લેવાની ટ્રમ્પની એક્ઝિક્યુટિવ સત્તાઓ યથાવત રહેશે. જોકે, સંસદ (કેપિટલ હિલ) તરફથી ટ્રમ્પ સરકારના કામકાજ પર દેખરેખ અને નિરીક્ષણ ખૂબ વધી જશે. વધુમાં, જો ટ્રમ્પે દેશમાં નવા કાયદા કે સામાજિક સુધારાના બિલ પાસ કરાવવા હશે તો તેમણે ડેમોક્રેટ્સ સાથે બાંધછોડ કરીને કામ કરવું પડશે.









