અલ-નીનોની અસરથી મહાસાગરો થયા વધુ ગરમ! 21.1°C તાપમાને તોડ્યો અત્યાર સુધીનો રેકોર્ડ

Climate Change News : સમગ્ર વિશ્વ માટે ભારે ચિંતાજનક સમાચાર છે. સમાચાર એ છે કે 2026ની 22, ઓગસ્ટ, શનિવારે વિશ્વના તમામ મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ( 70 ડિગ્રી ફેહરનહીટ) નોંધાયું હતું.
યુરોપિયન કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ ( સી3 એસ) દ્વારા આવો સંશોધનાત્મક અહેવાલ પ્રસિદ્ધ થયો છે.
સી 3 એસ નાં ડેપ્યુટી ડાયરેક્ટર ડો.સામન્થા બર્ગીસે એવી માહિતી આપી છે કે ૨૨, ઓગસ્ટે પૃથ્વીના ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવ પ્રદેશો બહારના તમામ મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ધગધગતું નોંધાયું હતું. અગાઉ 2024નામાચમાં આ તમામ મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન 21.09 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે અત્યારસુધીનું સૌથી વધુ નોંધાયું હતું. આમ 22, ઓગસ્ટે નોંધાયેલું મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન ૨૦૨૪ ના રેકોર્ડ કરતાં પણ વધુ ઉંચું છે.
સી 3 એસ આમ તો છેક 1979થી પૃથ્વી પરના તમામ મહાસાગરોની અને સમુદ્રોની સપાટીના તાપમાન વિશે ગહન સંશોધનાત્મક અભ્યાસ કરે છે. આ અભ્યાસ મુજબ તમામ મહાસાગરોની સપાટીના તાપમાનમાં દર માર્ચ અથવા એપ્રિલમાં વધારો નોંધાય છે. ઓગસ્ટમાં ક્યારેય નહીં. માર્ચથી એપ્રિલનો સમયગાળો એટલે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો પૂરો થઇ જાય.
ચિંતાજનક બાબત તો એ છે કે જગતભરના મહાસાગરોની સપાટીનું તાપમાન વધી રહ્યું છે ત્યારે તેનાં પરિણામ ઘણાં ગંભીર અને વિનાશક હોઇ શકે છે. ઉદાહરણરૂપે સમગ્ર વિશ્વના હવામાનમાં અણધાર્યા ફેરફાર, મહાસાગરોની અને સમુદ્રોની સપાટીમાં વધારો, મહાસાગરોના પેટાળમાં વસતિ સુંદર, વિશાળ, રંગબેરંગી જીવ સૃષ્ટિ અને વનસ્પતિના અસ્તિત્વ સામે ખતરો વગેરે જેવાં પરિણામ આવી શકે છે. ઉપરાંત, આ ઘટના એવો સંકેત પણ આપે છે કે દુનિયાભરના મહાસાગરોમાં બધું સમુંસૂતરું નથી. તેની કુદરતી ગતિવિધિમાં ચિંતાજનક અને રહસ્યમય ફેરફાર થઇ રહ્યા છે.
આટલું ઓછું હોય તેમ 2026ના અલ - નીનો પરિબળની અસરથી પણ સમુદ્રોની અને મહાસાગરોની સપાટીના સરેરાશ તાપમાનમાં વધારો થયો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી(આઇ.આઇ.ટી.એમ.-- પુણે)ના નિષ્ણાત ક્લાઇમેટ સાયન્ટિસ્ટ અને મહાસાગરો અને સમુદ્રોની ગતિવિધિ વિશેના ગહન અભ્યાસી રોક્સી મેથ્યુએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે સાચી વાત છે. 2026ના અલ - નીનો પરિબળની તીવ્ર અસરથી વિશ્વભરના મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉનું ઉનું નોંધાયું છે તે ઘટના સમગ્ર વિશ્વ માટે ખતરાની ઘંટડી સમાન છે. વળી, અલ - નીનો પરિબળની અતિ તીવ્ર અસર 2026ના વર્ષના છેલ્લા તબક્કામાં હશે ત્યારે પૃથ્વીના વિશાળ ગોળાના તાપમાનમાં પણ વધારો થશે. આ પરિસ્થિતિ ખરેખર ઘેરી ચિંતાજનક બની રહેશે.
2024 નું વર્ષ 1.55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અત્યારસુધીનું સૌથી હોટ હોટ વર્ષ સાબિત થયું છે, જે ગ્લોબલ વોર્મિંગ છે. હવે અલ - નીનો પરિબળની ભારે તીવ્ર ગરમીને કારણે 2027નું વર્ષ રેકોર્ડ- બ્રેકિંગ હોટ વર્ષ બને તેવી પૂરી શક્યતા છે. ભારત માટે કહીએતો હવેના મહિનામાં અસહ્ય ગરમીનો ભારે અકળાવનારો અનુભવ થવાનો સંકેત છે. ભારતમાં સિવિયર હીટ વેવના દિવસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થવાની સંભાવના છે.

