મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Economist ગીતા ગોપીનાથે IMFમાંથી આપ્યું રાજીનામું, જાણો શું છે તેની પાછળનું કારણ

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ

Economist ગીતા ગોપીનાથે IMFમાંથી આપ્યું રાજીનામું, જાણો શું છે તેની પાછળનું કારણ

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગીતા 7 વર્ષથી IMF સાથે સંકળાયેલા હતાં. ગીતા ગોપીનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મારફત રાજીનામા અંગેની જાહેરાત કરી હતી કે, 'IMF સાથે લગભગ સાત અદ્ભુત વર્ષ પસાર કર્યા બાદ મેં મારા શૈક્ષણિક મૂળ તરફ પાછા ફરવાનો નિર્ણય લીધો છે.'  

ગીતા ગોપીનાથના રાજીનામા પાછળનું કારણ

ગીતા ગોપીનાથ 2019માં આઈએમએફમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે જોડાયા હતાં. તેઓ આઈએમએફમાં આ ભૂમિકા નિભાવનારા પ્રથમ મહિલા હતા. બાદમાં જાન્યુઆરી, 2022માં તેમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદે પ્રમોશન પણ મળ્યું હતું. રાજીનામું આપવા પાછળનું કારણ તેમનો શિક્ષણ પ્રત્યેનો લગાવ જણાવ્યું હતું. અને તેથી જ તેઓ ફરીથી Harvard Universityમાં ભણાવવા જશે. ગોપીનાથના રાજીનામાં બાદ IMFના મેનેજિંગ ડિરેક્ટર Kristalina Georgieva ગોપીનાથની કામગીરી સંભાળશે.

અર્થશાસ્ત્રીઓની નવી પેઢી તૈયાર કરવા માંગે છે ગીતા

IMFમાં જોડાતા પહેલા, ગીતા ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટી (2005-2022) માં ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને ઇકોનોમિક્સના જોન ઝ્વાન્સ્ટ્રા પ્રોફેસર હતા. તે પહેલાં, તેઓ શિકાગો યુનિવર્સિટીના Booth School Of Businessમાં અર્થશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર (2001-2005) તરીકે કામ કરી રહ્યા હતા. આગામી 1 સપ્ટેમ્બરથી ફરી તેઓ Harvard Universityના અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે પોતાની નવી ઈનિંગ શરૂ કરશે. તેમણે કહ્યું કે તેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં પાછા ફરવા અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને મેક્રોઇકોનોમિક્સમાં સંશોધનને આગળ વધારવા માટે ઉત્સાહિત છે. ઉપરાંત, તેઓ અર્થશાસ્ત્રીઓની નવી પેઢી તૈયાર કરવામાં યોગદાન આપવા માંગે છે.

IMFને મજબૂત દિશા આપવાનું યોગદાન

ગીતા ગોપીનાથે તેમના કાર્યકાળ દરમિયાન IMFની રાજકોષીય અને નાણાકીય નીતિ, લોન પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય વેપાર પરની નીતિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે covid-19 મહામારીથી માંડીને વૈશ્વિક આર્થિક મંદી સુધીની જટિલ પરિસ્થિતિઓમાં IMFને મજબૂત દિશા આપી હતી. IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિનાએ ગીતા ગોપીનાથને એક ઉત્કૃષ્ટ સહયોગી, પ્રતિબદ્ધ વ્યક્તિ, અને સારા મેનેજર ગણાવ્યા હતાં. તેમણે IMFની નીતિગત દિશાને સ્પષ્ટતા સાથે વેગ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો