VIDEO: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારત આવી રહેલા LNG ટેન્કર પર ડ્રોન હુમલો: એન્જિન રૂમમાં ભીષણ આગ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં (Strait of Hormuz) છેલ્લા કેટલાક દિવસોથી સ્થિત


સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં (Strait of Hormuz) છેલ્લા કેટલાક દિવસોથી સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી પસાર થતા કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કતારથી ભારત આવી રહેલું એક વિશાળ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ટેન્કર ડ્રોન હુમલાનો (Drone Attack) શિકાર બન્યું છે. સમાચાર એજન્સી ANI અનુસાર, 'એલએનજીસી અલ રેકય્યાત' (LNGC Al Rekayyat) નામનું આ જહાજ કતારના રાસ લફ્ફાન બંદરથી ગુજરાતના દહેજ પોર્ટ (Dahej Port) તરફ આવી રહ્યું હતું, ત્યારે જ તેને નિશાન બનાવવામાં આવ્યું હતું.
એન્જિન રૂમમાં લાગી ભીષણ આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ હવાઈ હુમલાના (Air Strike) કારણે જહાજને મોટું નુકસાન પહોંચ્યું છે. શંકાસ્પદ મિસાઈલ કે ડ્રોન અથડાતાંની સાથે જ જહાજના એન્જિન રૂમમાં (Engine Room) ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્યાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને દરિયામાં ગેસ કે ઓઈલ લીકેજ (Oil Spill) થવાની કોઈ ઘટના નોંધાઈ નથી.
ક્રૂ મેમ્બર્સમાં 4 ભારતીયો સામેલ
આ જહાજ પર કુલ ૨૯ ચાલક દળના સભ્યો (Crew Members) સવાર છે, જેમાંથી ૪ ભારતીય નાવિકો (Indian Sailors) છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે આ ગંભીર ઘટના બાદ પણ તમામ ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, "૭ જુલાઈએ અરબ સાગર અને ઓમાનની ખાડીના સંગમ સ્થળ નજીકથી પસાર થતી વખતે આ ટેન્કર પર શંકાસ્પદ ડ્રોન હુમલો થયો હતો. આ ઘટનાનો રિપોર્ટ રિક્રુટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સર્વિસ લાયસન્સ (RPSL) દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ કમ્યુનિકેશન (DGCOMM) ને સોંપવામાં આવ્યો છે. જહાજે દહેજ બંદર તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું છે."
ગણતરીના કલાકોમાં ત્રીજો મોટો હુમલો
અહેવાલો અનુસાર, ભારત આવી રહેલા આ જહાજ પર હુમલો થયો તેના થોડા કલાકો પહેલા જ આ જ રૂટ પર અન્ય બે ઓઈલ ટેન્કરોને (Oil Tankers) પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. બ્રિટિશ નૌકાદળની એજન્સી યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું કે જહાજ અજ્ઞાત પ્રોજેક્ટાઈલનો (Projectile) શિકાર બન્યું હોવા છતાં પોતાની સફર આગળ વધારવામાં સક્ષમ રહ્યું છે.
બ્રિટિશ સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલો ઓમાનના દરિયાકાંઠા (Oman Coast) નજીક થયો હતો. આ હુમલો જહાજના પોર્ટ સાઈડ એટલે કે ડાબી બાજુએ થયો હતો. આ સમયે જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છોડીને ઓમાનની ખાડીમાં (Gulf of Oman) પ્રવેશ કરી રહ્યું હતું. આ સમગ્ર ક્ષેત્રમાં જહાજો પર વધી રહેલા હુમલાઓએ વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાય ચેઈન (Global Supply Chain) માટે ફરી એકવાર મોટી ચિંતા ઊભી કરી દીધી છે.








