નેપાળમાં ફરી વિવાદ, જેલ તોડીને ભાગી રહેલા કેદીઓ પર સેનાએ કર્યું ફાયરિંગ; ભારતે બોર્ડર બંધ કરી
નેપાળમાં Gen-Z આંદોલને બે દિવસમાં જ સરકાર ઉથલાવી પાડી છે. નેપાળમાં શુક્રવાર સુધી કરફ્ય

નેપાળમાં Gen-Z આંદોલને બે દિવસમાં જ સરકાર ઉથલાવી પાડી છે. નેપાળમાં શુક્રવાર સુધી કરફ્યૂ વધારી દેવામાં આવ્યું છે. નેપાળના રામેછાપ જિલ્લા જેલમાં કેદી ભાગવા જતા સેનાએ ફાયરિંગ કર્યું હતું.બીજી તરફ નેપાળમાં વિવાદને જોતા ભારતે બોર્ડર બંધ કરી દીધી છે અને મૈત્રી બસ સેવા પણ સ્થગિત કરી છે. નેપાળમાં જલદી વચગાળાની સરકાર બની શકે છે. નેપાળમાં પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી નવા વડાપ્રધાન બની શકે છે.
નેપાળ-ભારત મૈત્રી બસ સેવા બંધ
નેપાળમાં હિંસાની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારત-નેપાળ બોર્ડરને સીલ કરવામાં આવી છે. સાથે જ ભારતથી નેપાળ માટે ચાલતી મૈત્રી બસ સેવાને પણ બંધ કરવામાં આવી છે. આ હિંસાને કારણે વેપાર પણ ઠપ્પ થઇ ગયો છે.
નેપાળની જેલ તોડીને ભાગતા કેદીઓ પર ફાયરિંગ
નેપાળના રામેછાપ જેલમાંથી ભાગવાના પ્રયાસ કરતા કેદીઓને રોકવા માટે સેનાએ ફાયરિંગ કર્યું હતું જેમાં 12થી 13 કેદી ઘાયલ થયા હતા.
જેલ તોડીને ભાગી રહેલા કેદીઓને SSBએ પકડ્યા
સશસ્ત્ર સીમા દળ (SSB)એ અત્યાર સુધી નેપાળની જેલમાંથી ભાગેલા 35 કેદીઓને પકડ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર તેમાંથી 22 કેદીઓને ઉત્તર પ્રદેશમાં ભારત-નેપાળ સરહદ પર, 10ને બિહારમાં અને ત્રણને બંગાળમાં પકડવામાં આવ્યા છે.
નેપાળમાં જલદી બનશે વચગાળાની સરકાર
નેપાળમાં વચગાળાની સરકાર બનાવવાને લઇને આજે બેઠક મળશે. Gen-Zના પ્રતિનિધિ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને મળશે. આ દરમિયાન નેપાળી સેનાના પ્રમુખ પણ હાજર રહેશે. Gen-Z પ્રતિનિધિઓએ વચગાળાની સરકારના નવા વડાપ્રધાન તરીકે પૂર્વ મુખ્ય ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીના નામ પર મોહર લગાવી દીધી છે.








