મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ગણતરીના કલાકોમાં જ યુદ્ધવિરામ તૂટવાની અણી પર: તેહરાને આપી મોટી ધમકી, હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ થવાના અહેવાલ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેર

ગણતરીના કલાકોમાં જ યુદ્ધવિરામ તૂટવાની અણી પર: તેહરાને આપી મોટી ધમકી, હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ થવાના અહેવાલ
આ સમાચાર સાંભળો

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતને હજુ 24 કલાક પણ વીત્યા નથી ત્યાં તેહરાને ધમકી આપી છે કે જો ઈઝરાયલ લેબનાન પર હુમલા ચાલુ રાખશે તો તે વર્તમાન યુદ્ધવિરામ કરારમાંથી બહાર નીકળી જશે. ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ચેતવણી ક્ષેત્રમાં મોટા પાયે ઈઝરાયલી હુમલાના અહેવાલો બાદ આપવામાં આવી છે.

ઈઝરાયલ લેબનાન પર ક્રૂર હુમલા રોકો: ઈરાન 

એજન્સીએ એક સત્તાવાર સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, લેબનાન પર ઈઝરાયલી શાસનના સતત હુમલાઓને કારણે ઈરાન સંઘર્ષ વિરામ કરારમાંથી બહાર નીકળવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે. સૂત્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લેબનાનમાં કાર્યવાહી સહિત તમામ મોરચે યુદ્ધની સમાપ્તિ એ બે અઠવાડિયાના યુદ્ધવિરામ યોજનાના ભાગરૂપે અમેરિકા દ્વારા સ્વીકારવામાં આવેલી એક શરત હતી. અધિકારીએ કહ્યું, 'ઈઝરાયલી શાસને આજે સવારથી જ સંઘર્ષ વિરામનું સ્પષ્ટ ઉલ્લંઘન કરતા લેબનાન પર ક્રૂર હુમલા કર્યા છે.'

શાંતિની આશાને ઝટકો: હોર્મુઝ  સ્ટ્રેટ ફરી બંધ

મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયાના ગણતરીના કલાકોમાં જ તે તૂટવાની અણી પર પહોંચી ગયું છે. ઈરાનને લાગ્યું હતું કે યુદ્ધવિરામ બાદ લેબનાન પર પણ હુમલા નહીં થાય, પરંતુ ઈઝરાયલ સતત મિસાઈલો દાગી રહ્યું છે.

ઈઝરાયલે સ્પષ્ટ કરી દીધું છે કે લેબનાન આ યુદ્ધવિરામમાં સામેલ નથી. જેનાથી ઈરાન ભભૂકી ઉઠ્યું છે અને તેણે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી દીધી છે. બીજી તરફ, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર પણ બદલાઈ ગયા છે. હવે તેઓ પણ કહી રહ્યા છે કે લેબનાન આ યુદ્ધવિરામનો હિસ્સો નથી. જેથી તસ્નીમ ન્યૂઝ એજન્સી મુજબ, ઈરાને કહ્યું છે કે જો ઈઝરાયેલ લેબનાન પર હુમલા ચાલુ રાખીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતું રહેશે, તો તે અમેરિકા સાથે થયેલા યુદ્ધવિરામ કરારમાંથી હટી જશે.

ઈરાન હવે એક્શનના મૂડમાં, મોટા સૈન્ય ઓપરેશનની તૈયારી

લેબનાન પર ઈઝરાયલના સતત હુમલાઓથી નારાજ થઈને ઈરાન હવે એક્શનના મૂડમાં આવી ગયું છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી પૂરી રીતે બંધ કરી દીધું છે, જેનાથી ફરી એકવાર તેલ સંકટ આવવાનો ખતરો વધી ગયો છે. ઈરાની સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, તેહરાન હવે ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના જવાબમાં ઈઝરાયલના કબજા હેઠળના પેલેસ્ટાઈનમાં એક મોટા સૈન્ય ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે. ઈરાનનું સ્પષ્ટ કહેવું છે કે જો લેબનાન પર હુમલા નહીં અટકે, તો યુદ્ધવિરામનો કોઈ અર્થ રહેશે નહીં.

લેબનાનમાં 10 મિનિટમાં 100 હવાઈ હુમલા

જણાવી દઈએ કે, ઈઝરાયલી સેનાએ લેબનાનમાં અનેક સ્થળોએ 10 મિનિટની અંદર 100 હવાઈ હુમલા કર્યા. હાલમાં આ હુમલાથી કેટલું નુકસાન થયું છે તેની જાણકારી મળી નથી. પહેલા દક્ષિણ લેબનાનથી રોકેટ દાગવામાં આવ્યા હતા, ત્યારબાદ ઈઝરાયલે મોટા પાયે હુમલો શરૂ કર્યો હતો.

હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાનની ચેતવણી

ઈરાની નૌસેનાએ ફરી હોર્મુઝ સ્ટ્રેટની પાસે હાજર જહાજોને ચેતવણી જારી કરી છે. IRGCએ કહ્યું છે કે, હોર્મુઝ પાર કરવા માટે તેમને હજુ પણ ઈરાનની પરવાનગી લેવી પડશે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ અનુસાર, ઈરાની નૌસેનાએ રેડિયો દ્વારા જહાજોને ચેતવણી આપી છે કે પરવાનગી વગર પસાર થવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજને નષ્ટ કરી દેવામાં આવશે.

આ સમાચાર શેર કરો