મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Canada/ સૈન્ય અભ્યાસ દરમિયાન લાગી આગ! 4 સૈનિકોનાં મોત, 39 ઘાયલ; 19ની હાલત ગંભીર

Canada/ સૈન્ય અભ્યાસ દરમિયાન લાગી આગ! 4 સૈનિકોનાં મોત, 39 ઘાયલ; 19ની હાલત ગંભીર
આ સમાચાર સાંભળો

કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં સૈન્ય મથક પાસે યુદ્ધ અભ્યાસ (Military Exercise) દરમિયાન ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં ચાર સૈનિકોનાં મોત થયાં છે, જ્યારે 39 સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 19ની હાલત ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આગ અચાનક ઝડપથી ફેલાતાં સૈનિકોને બચવાની તક પણ મળી નહોતી. ઘટનાને પગલે કેનેડાના સૈન્ય અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

36 સેકન્ડમાં એક કિલોમીટર સુધી ફેલાઈ આગ

મેજર જનરલ વેડ રટલેન્ડે એડમન્ટનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં આગ સૈનિકોથી આશરે એક કિલોમીટર દૂર હતી. જોકે, પવનની દિશા બદલાતાં આગ માત્ર 36 સેકન્ડમાં ઝડપથી આગળ વધી હતી. એક કમાન્ડરના જણાવ્યા અનુસાર, થોડી જ ક્ષણોમાં સૈનિકોની સામે આગની જ્વાળાઓ પહોંચી ગઈ હતી અને તેઓ તેની લપેટમાં આવી ગયા હતા.

84 સૈનિકો યુદ્ધ અભ્યાસમાં જોડાયા હતા

આ દુર્ઘટના દરમિયાન પ્રિન્સેસ પેટ્રિશિયાઝ કેનેડિયન લાઇટ ઇન્ફન્ટ્રી (Princess Patricia’s Canadian Light Infantry)ની ત્રીજી બટાલિયનની ચાર્લી કંપનીના સૈનિકો યુદ્ધ અભ્યાસ કરી રહ્યા હતા. આશરે 84 સૈનિકોને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. એક જૂથ ગ્રેનેડ ચલાવવાની તાલીમ લઈ રહ્યું હતું, જ્યારે બીજું જૂથ દુશ્મનનાં કાલ્પનિક ઠેકાણાં પર હુમલો કરવાની કવાયત કરી રહ્યું હતું.

આગ બીજા અભ્યાસ ક્ષેત્રમાં ફેલાઈ હતી. જોકે, ઘાસમાં આગ કયા કારણસર લાગી તે અંગે તપાસકર્તાઓ હજી સુધી ચોક્કસ તારણ પર પહોંચ્યા નથી.

19 સૈનિકોની હાલત ગંભીર

અલ્બર્ટા પ્રાંતનાં મુખ્ય પ્રધાન ડેનિયલ સ્મિથે જણાવ્યું હતું કે 39 ઘાયલોની સારવાર ચાલી રહી છે. એક્યુટ કેર અલ્બર્ટાના મુખ્ય કાર્યકારી અધિકારી સાયહ જેલ્કેના જણાવ્યા અનુસાર, 19 ઘાયલોની સ્થિતિ ગંભીર છે, જ્યારે આઠની સ્થિતિ સ્થિર છે. અન્ય 12 ઘાયલોને પણ સારવાર આપવામાં આવી રહી છે.

દાઝી જવાને કારણે કેટલાક સૈનિકોને અઠવાડિયાં અથવા મહિનાઓ સુધી સઘન સારવારની જરૂર પડી શકે છે. ઘાયલોને અલ્બર્ટાની ચાર હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

કેનેડાના વડાપ્રધાને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ આ ઘટનાને શાંતિના સમયમાં દેશની ધરતી પર સૈન્ય સાથે સર્જાયેલી સૌથી ગંભીર દુર્ઘટનાઓમાંની એક ગણાવી હતી. તેમણે મૃતક સૈનિકોના પરિવારોને જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, દેશભરની સંઘીય સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સૈન્ય અધિકારીઓ હવે આગ લાગવાનું કારણ અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી રહી હતી કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. આ દુર્ઘટનાએ સૈન્ય તાલીમ દરમિયાન આગ જેવી આપત્તિઓ સામેની તૈયારી અને સૈનિકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ સમાચાર શેર કરો