બાંગ્લાદેશ: રમખાણમાં 20થી વધુ અવામી લીગના નેતાઓ માર્યા ગયા: પૂર્વ વિદેશ મંત્રીની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ
બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળાએ વડાપ્રધાન શેખ હસીનાની ખુરશી છીનવી લીધી. જોરદાર દેખાવો બાદ

બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળાએ વડાપ્રધાન શેખ હસીનાની ખુરશી છીનવી લીધી. જોરદાર દેખાવો બાદ બળવો થયો હતો. વડા પ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં આશરો લેવો પડ્યો હતો. બાંગ્લાદેશ છોડતાની સાથે જ આખા દેશમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલા થઈ રહ્યા છે. જ્યારે શેખ હસીના ભાગીને ભારત આવી ગયા છે. તેઓ સોમવારે ભારત પહોંચ્યા હતા. તેઓ થોડા સમય માટે અહીં આશ્રય લઈ શકે છે. અહેવાલો અનુસાર, તેઓ બાદમાં અહીંથી લંડન જઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં સુરક્ષા અને સ્થિતિને લઈને બેઠક યોજી હતી. યુએનના વડાએ લોકતાંત્રિક માધ્યમથી સત્તા પરિવર્તનની વાત કરી છે.
હસીના સરકારના ઘણા મંત્રીઓએ બાંગ્લાદેશ છોડી દીધું
બાંગ્લાદેશના અખબાર ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ હસીના સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા મોહીબુલ હસન ચૌધરી અને સ્થાનિક સરકાર, ગ્રામીણ વિકાસ અને સહકાર મંત્રી મોહમ્મદ તાજુલ ઈસ્લામ એરપોર્ટ દ્વારા દેશ છોડી ગયા છે. ભૂતપૂર્વ નાણા પ્રધાન અબુલ હસન મહમૂદ અલી, રમતગમત પ્રધાન નઝમુલ હસન પાપોન અને ઢાકા દક્ષિણ સિટી કોર્પોરેશનના મેયર શેખ ફઝલે નૂર તાપોષે પણ રવિવારે HSIA દ્વારા દેશ છોડી દીધો હતો, અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું.
બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રીની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ
બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી અને અવામી લીગના નેતા હસન મહમુહને મંગળવારે મોડી સાંજે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેઓ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઢાકા એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે બાંગ્લાદેશ છત્ર લીગના ઢાકા યુનિવર્સિટી યુનિટના જનરલ સેક્રેટરી તનબીર હસન શૈકત અને ઢાકા ઉત્તર એકમના પ્રમુખ રિયાઝ મહમૂદની પણ અટકાયત કરી હતી. આ તમામને બાંગ્લાદેશની સેનાને સોંપવામાં આવ્યા છે.
અવામી લીગ અને તેની સંલગ્ન સંગઠનોના 20 નેતાઓના મળ્યા મૃતદેહ
બાંગ્લાદેશમાં ગયા મંગળવારે, અવામી લીગ અને તેની સંલગ્ન સંગઠનોના ઓછામાં ઓછા 20 નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના મૃતદેહ દેશભરમાંથી મળી આવ્યા હતા. શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને દેશ છોડ્યો ત્યારથી સતખીરામાં હુમલા અને હિંસામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે. અવામી લીગના નેતાઓ અને કાર્યકરોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી.
કોમિલામાં ટોળાના હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા. અશોકતલામાં પૂર્વ કાઉન્સિલર મોહમ્મદ શાહ આલમના ત્રણ માળના મકાનમાં બદમાશોએ આગ લગાડતા છ લોકોના મોત થયા હતા. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે તેમના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા. જેમાં પાંચ કિશોરોનો પણ સમાવેશ થાય છે.
બાંગ્લાદેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળે સતર્કતા વધારી છે
હિંસાગ્રસ્ત બાંગ્લાદેશના નાગરિકોની સંભવિત ઘૂસણખોરીના ડરથી નેપાળે ભારત સાથેની તેની સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. નેપાળમાં પોલીસે કહ્યું કે બાંગ્લાદેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે સુરક્ષા એજન્સીઓને આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાંથી અનધિકૃત પ્રવેશને રોકવા માટે સરહદ પર ઉચ્ચ તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે.
ચીન બાંગ્લાદેશની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે
ચીને મંગળવારે બાંગ્લાદેશની સ્થિતિ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે તે હિંસાગ્રસ્ત દેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મીડિયાના પ્રશ્નોના જવાબમાં, ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું, "ચીન બાંગ્લાદેશના રમખાણો પર નજીકથી નજર રાખી રહ્યું છે." મંત્રાલયે કહ્યું, "બાંગ્લાદેશના મિત્ર પાડોશી અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે, ચીનને સંપૂર્ણ આશા છે કે ટૂંક સમયમાં દેશમાં સામાજિક સ્થિરતા પુનઃસ્થાપિત થશે."








