Bagladesh news: ‘હાદીના હત્યારાનું નામ આપો નહીં તો...’ યુનુસ સરકારને જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ
બાંગ્લાદેશમાં હિંસાનો માહોલ છે. આ દરમિયાન ઇન્કલાબ મંચના પ્રવક્

બાંગ્લાદેશમાં હિંસાનો માહોલ છે. આ દરમિયાન ઇન્કલાબ મંચના પ્રવક્તા અને બાંગ્લાદેશના રાજકીય દ્રશ્યને હચમચાવી નાખનારા વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીને શનિવારે (20 ડિસેમ્બર) અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમને ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યો છે. જેમાં અંતિમ સંસ્કારમાં મોટી ભીડ એકઠી થઈ હતી. તેવામાં હાદીની હત્યા અંગે સરકાર પર પ્રશ્નો અને દબાણ વધ્યું. ઇન્કલાબ મંચ દ્વારા ખુલ્લા મંચ પરથી વચગાળાની સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપીને જણાવ્યું છે કે, ‘હાદીના હત્યારાનું નામ આપો નહીં તો...’
હાદીની અંતિમયાત્રા રાષ્ટ્રીય સંસદ ભવનના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાઈ હતી. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ, સલાહકાર પરિષદના સભ્યો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. અંતિમયાત્રા પછી, હાદીના મૃતદેહને ફ્રીઝિંગ વાનમાં ઢાકા યુનિવર્સિટી લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને સેન્ટ્રલ મસ્જિદ પાસે દફનાવવામાં આવ્યો હતો. અંતિમયાત્રા દરમિયાન પોતાના સંબોધનમાં મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે કહ્યું કે, 'હાદી હંમેશા આપણા હૃદયમાં જીવિત રહેશે.'
ઇન્કલાબ મંચનું અલ્ટીમેટમ: સરકાર 24 કલાકની અંદર જવાબ આપે
ઇન્કિલાબ મંચના સભ્ય સચિવ અબ્દુલ્લા અલ જાબેરે અંતિમ સંસ્કાર બાદ સમર્થકોને શાહબાગ જઈને વિરોધ પ્રદર્શન કરવાની હાકલ કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'અમે અહીં ફક્ત શોક વ્યક્ત કરવા માટે નથી, અમે અહીં અમારા ભાઈ માટે ન્યાય માંગવા માટે આવ્યા છીએ.'
જાબેરે આરોપ લગાવ્યો હતો કે, હત્યાના એક અઠવાડિયા પછી પણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે યુનુસ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જેમાં માગ કરવામાં આવી હતી કે, સરકાર હત્યારાઓની ઓળખ જાહેર કરે કે, અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા અને ભવિષ્યની યોજનાઓ શું છે?
મૃતક હાદીના ભાઈએ શું કહ્યું?
અંતિમ સંસ્કાર પહેલા હાદીના ભાઈ અબુ બકર સિદ્દીકે મંચ પરથી સીધા સરકાર અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'મારા ભાઈને રાજધાનીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. સાત-આઠ દિવસ વિતી ગયા છે, છતા હત્યારાને પકડવામાં આવ્યો નથી. આવું કેમ? હાદીના હત્યારાઓનો કેસ તાત્કાલિક શરૂ થવો જોઈએ.'
શરીફ ઉસ્માન હાદી કોણ હતો?
32 વર્ષીય શરીફ ઉસ્માન હાદી શેખ હસીના વિરોધી પ્લેટફોર્મ, ઇન્કિલાબ મંચનો પ્રવક્તા હતો. જુલાઈ 2024ના બળવા દરમિયાન આ પ્લેટફોર્મ પ્રસિદ્ધિ પામ્યું હતું, જેના કારણે શેખ હસીનાને પદ છોડવાની ફરજ પડી હતી. હાદી આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઢાકાથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યો હતો.
ઇન્કલાબ મંચને બાંગ્લાદેશમાં એક કટ્ટરપંથી સંગઠન માનવામાં આવે છે. ભારત વિરોધી નિવેદન અને વિવાદિત ગતિવિધિયોને લઈને હાદી જાણીતો છે. થોડા દિવસ પહેલા તેણે તથાકથિત ગ્રેટર બાંગ્લાદેશનો નકશો જાહેર કર્યો હતો. જેમાં ભારતના કેટલાક ભાગને બાંગ્લાદેશમાં બતાવવામાં આવ્યા હતા.








