મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકામાં ભારતીય દંપતી સામે કરોડો રૂપિયાના છેતરપિંડીનો આરોપ

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળના સિદ્ધાર્થ મુખરજી (સેમી) અને તેની પત્ની સુ

અમેરિકામાં ભારતીય દંપતી સામે કરોડો રૂપિયાના છેતરપિંડીનો આરોપ

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળના સિદ્ધાર્થ મુખરજી (સેમી) અને તેની પત્ની સુનિતાની કરોડો રૂપિયાના કૌભાંડ બદલ ધરપકડ કરાઈ છે. આ દંપત્તિ પર નકલી ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ મારફત 100થી વધુ લોકો પાસેથી 40 લાખ ડોલર એટલે કે અંદાજે રૂ. 33 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ દંપત્તિ હાલ યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની અટકાયતમાં છે.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં આટલા મોટા કૌભાંડ બદલ દંપત્તિ પર અમેરિકામાં ફર્સ્ટ ડિગ્રીની ચોરીનો આરોપ મૂકાયો છે. આ દંપત્તિ ટેક્સાસના પ્લાનોમાં ભારતીય-અમેરિકન સમુદાય વચ્ચે લક્ઝ્યુરિયસ લાઈફ સ્ટાઈલ માટે જાણીતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, મુખરજી દંપત્તિએ ઊંચુ રિટર્ન આપવાનું વચન આપી રોકાણકારોને રિયલ એસ્ટેટ ડીલમાં ફસાવતા હતાં. આ દંપત્તિ રિયલ એસ્ટેટ ડીલ્સ, નકલી ડોક્યુમેન્ટ્સ, અને મહામારી રાહત ફંડનો દુરૂપયોગ કરવા સહિતના ગુનામાં સંડોવાયેલું હોવાનો આરોપ છે.

કેવી રીતે આચર્યું કૌભાંડ?

સિદ્ધાર્થ મુખરજી અને તેની પત્ની સુનિતાએ ફેક રિમોડલિંગ કોન્ટ્રાક્ટ અને ડલાસ હાઉસિંગ ઓથોરિટીની નકલી રિસિપ્ટ બતાવી લોકોને વિશ્વાસમાં લીધા હતાં. રોકાણકારો પાસેથી એક નકલી ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ હોવાનું કહી મોટી રકમ પડાવી હતી. જ્યારે ડિવિડન્ડ ચેક બાઉન્સ થયા ત્યારે તેમનું આ કૌભાંડ બહાર આવ્યું. આ છેતરપિંડીવાળી યોજના 2024માં પ્રકાશમાં આવી હતી. ત્યારે દંપત્તિએ 3.25 લાખ ડોલરની ખોટનો દાવો કર્યો હતો. યુલિસ પોલીસના કર્મી બ્રાયન બ્રેનને તેની તપાસ શરૂ કરી હતી. બાદમાં એફબીઆઈ પણ તેમની સાથે જોડાઈ હતી.

સંપૂર્ણપણે કાલ્પનિક પ્રોજેક્ટ્સ

બ્રેનને જણાવ્યું હતું કે, 23 વર્ષના અનુભવમાં આ પ્રકારનું કૌભાંડ ક્યારેય જોયું નથી. ડલાસ હાઉસિંગ ઓથોરિટીના રિસિપ્ટ પરથી ખાતરી થઈ છે કે, પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાલ્પનિક હતો. છેતરપિંડીનો ખુલાસો થતાં અનેક પીડિતો સામે આવ્યા હતા. તેમણે દંપત્તિના આકર્ષક અને વિશ્વસનીય વ્યક્તિત્વ વિશે જણાવ્યું હતું. અત્યારસુધી માત્ર 20 પીડિતોના નામ સત્તાવાર ધોરણે નોંધાયા છે. પરંતુ તપાસ એજન્સીનું માનવું છે કે, પીડિતોની સંખ્યા 100થી વધી શકે છે. આગામી દિવસોમાં ભોગ બનેલા અન્ય લોકો પણ સામે આવી શકે છે. તેમજ આ કેસમાં અન્ય નવા ખુલાસા પણ થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો