YEAR ENDER 2024: વિશ્વમાં વર્ષ 2024ની એવી 10 ઘટનાઓ જેને દુનિયા લાંબો સમય યાદ રાખશે
ઈ.સ. 2024નું વર્ષ પુરું થવા જઈ રહ્યું છે ત્યારે વર્ષભર હેડલાઈન્સમાં રહેલા સમાચાર

ઈ.સ. 2024નું વર્ષ પુરું થવા જઈ રહ્યું છે ત્યારે વર્ષભર હેડલાઈન્સમાં રહેલા સમાચારો ફરી એક વખત જાણવાનું બધાને મન થાય. એવી ઘટનાઓ કે જેણે સમગ્ર વર્ષ દરમિયાન હેડલાઇન્સ બનાવી અને આંતરરાષ્ટ્રીય રાજકારણને પ્રભાવિત કર્યું. ચૂંટણીની દૃષ્ટિએ પણ આ વર્ષ ઘણું મહત્ત્વનું હતું. ભારતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAએ ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત સરકાર બનાવી છે, જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પાંચ વર્ષ બાદ ફરી એકવાર સત્તામાં આવ્યા છે. વર્ષ 2023ની જેમ 2024માં પણ ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષ આખું વર્ષ સમાચારોમાં રહ્યો. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલાથી શરૂ થયેલું આ યુદ્ધ 2024 માં આખું વર્ષ ચાલુ રહ્યું. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. યુક્રેન રશિયા યુદ્ધ પણ સતત સમાચારોમાં રહ્યું છે. પડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીના અને સીરિયામાં બશર-અલ-અસદની સરકારો પણ પડી ગઈ.
ચાલો જાણીએ 2024ની મુખ્ય ઘટનાઓ વિશે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડી.
નરેન્દ્ર મોદીની શાનદાર જીત
ભારતમાં એપ્રિલ 2024 અને જૂન 2024 વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. 4 જૂને પરિણામો જાહેર થયા હતા. લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી હતી. વિપક્ષી પાર્ટીઓનું INDIA ગઠબંધન માત્ર 234 બેઠકો જીતી શક્યું. અન્ય પક્ષોને 17 બેઠકો મળી હતી. ભાજપે 240 બેઠકો, કોંગ્રેસને 99, સમાજવાદી પાર્ટીને 37, તૃણમૂલ કોંગ્રેસને 29, ડીએમકેને 22, ટીડીપીને 16 અને જેડીયુને 12 બેઠકો મળી છે. આ પછી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા
આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો હતો. તેમણે ભારતીય મૂળના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને 312 ઈલેક્ટોરલ વોટ મળ્યા અને રાષ્ટ્રપતિ પદની સાથે રિપબ્લિકન પાર્ટીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટમાં પણ બહુમતી મળી છે. ટ્રમ્પની આ જીત સાથે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ઘણા બદલાવ આવવાના સંકેત દેખાઈ રહ્યા છે.
ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષ
હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમાં 1200 લોકો માર્યા ગયા હતા. હમાસે 251 લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી ઈઝરાયેલે ગાઝામાં જવાબી કાર્યવાહી શરૂ કરી હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. ઈઝરાયેલના જવાબી હુમલાને કારણે લાખો લોકો વિસ્થાપિત થતાં ગાઝા પટ્ટી હવે ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. વર્ષ 2024માં આ યુદ્ધને રોકવા માટે ઈઝરાયેલે અત્યાર સુધીમાં હમાસના ઘણા મોટા નેતાઓને ખતમ કરી દીધા છે. પરંતુ હજુ સુધી તેને સફળતા મળી નથી.
રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો. જો આગામી થોડા દિવસોમાં આ યુદ્ધ બંધ નહીં થાય, તો આવતા વર્ષે 24 ફેબ્રુઆરીએ આ યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરશે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધને રોકવામાં રસ દાખવ્યો છે. તેઓ 20 જાન્યુઆરીએ સત્તા સંભાળવા જઈ રહ્યા છે, જો તેઓ આ યુદ્ધને રોકશે તો તેમની મોટી સફળતા ગણાશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ટ્રમ્પની ટિપ્પણીનો સકારાત્મક જવાબ આપ્યો છે. આ યુદ્ધમાં બંને પક્ષના એક લાખથી વધુ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે, આ કોઈ સત્તાવાર આંકડો નથી. બંને પક્ષો યુદ્ધના જાનહાનિ અથવા ભાડૂતી સૈનિકો વિશે માહિતી જાહેર કરતા નથી.
ઈઝરાયેલ-ઈરાન તણાવ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન પણ આડકતરી રીતે સામેલ છે. લેબનોનમાં કાર્યરત આતંકવાદી સંગઠન ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ સામે લડતા હમાસને તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે. આ સિવાય તે યમનમાં હુતી વિદ્રોહીઓની પણ મદદ કરે છે. ઇરાક અને મધ્ય પૂર્વના કેટલાક અન્ય દેશોમાં કાર્યરત લશ્કરોને પણ મદદ કરે છે.આ વર્ષે 14 એપ્રિલે, ઈરાને સીરિયાના દમાસ્કસમાં તેના વાણિજ્ય દૂતાવાસ પરના હુમલાના જવાબમાં ઈઝરાયેલ તરફ સેંકડો ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા. આ પછી ઈરાને 1 ઓક્ટોબરે ઈઝરાયેલ પર 200થી વધુ મિસાઈલ હુમલા કર્યા હતા. આ સિવાય ઈઝરાયેલે ઈરાનમાં હમાસની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી હતી. ઈરાનની રાજધાની તેહરાનમાં એક સરકારી ગેસ્ટ હાઉસ પર થયેલા હુમલામાં ઈઝરાયેલ દ્વારા હાનિયાનું મોત થયું હતું. ઇઝરાયેલી સેનાએ 23 સપ્ટેમ્બરથી લેબનીઝ જૂથો પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા. ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ સહિત ઘણા કમાન્ડર માર્યા ગયા હતા. નવેમ્બરના છેલ્લા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામના કરાર પર હસ્તાક્ષર કરતા ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો.
ભારત અને કેનેડા વચ્ચે બગડતા સંબંધો
ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. કેનેડામાં અલગતાવાદી શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો. કેનેડાએ નિજ્જરની હત્યા મામલે ભારત ઉપર આરોપ લગાવ્યા હતા. ભારતે તેનો સખત વિરોધ કર્યો હતો. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા. ભારતે થોડા સમય માટે વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. કેનેડામાં ભારતીય મૂળના લગભગ 30 લાખ લોકો રહે છે. કેનેડા ભારતીયો માટે એક મોટું સ્થળ છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાનો તખ્તાપલટ
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ઓગસ્ટ મહિનો વિવાદાસ્પદ રહ્યો છે. હિંસક વિરોધ બાદ બાંગ્લાદેશમાં પીએમ શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી હતી અને શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય લીધો. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ યુનુસ મોહમ્મદના નેતૃત્વમાં વચગાળાની સરકારે સત્તા સંભાળી. એ પછીથી બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ પર સતત અત્યાચાર જોવા મળ્યા. ઈસ્કોન મંદિર સહિત વિવિધ મંદિરો પર હુમલાઓ વધ્યા. જેની અસર ભારત અને બાંગ્લાદેશના સંબંધો પર પડી રહી છે. ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.
સીરિયામાં અસદ સરકારને ઉથલાવી
હયાત તહરિર અલ-શામ (HTAS) ની આગેવાની હેઠળના બળવાખોરોએ અલેપ્પો, હમા અને હોમ્સ શહેરો પર કબજો કર્યા પછી 8 ડિસેમ્બરે રાજધાની દમાસ્કસ પર કબજો કર્યો. આ સાથે વિદ્રોહીઓએ સીરિયાની આઝાદીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે અને HTAS ચીફ અબુ મોહમ્મદ અલ-ઝુલાનીના નેતૃત્વમાં સીરિયાનો વહીવટ સંભાળી લીધો છે. બાદમાં સમાચાર આવ્યા કે રશિયાએ અસદને આશ્રય આપ્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની મુત્સદ્દીગીરી
લાંબા સમય સુધી રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતે પોતાની વિદેશ નીતિ પર પુનર્વિચાર કરવો પડ્યો હતો. બંને દેશો સાથે ભારતના લાંબા ગાળાના રાજદ્વારી સંબંધો છે. 2024માં ભારત આ યુદ્ધને ઉકેલવા માટે પ્રયત્નો કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરી હતી.
પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ
2024 એ પાકિસ્તાન માટે ભારે ઉથલપાથલનું વર્ષ હતું. જેના કારણે ત્યાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. વર્ષ 2025માં ઈમરાન ખાનના આંદોલન અને પાકિસ્તાનના આર્થિક સંકટની અસર ત્યાંની રાજનીતિ અને સ્થિરતા પર જોવા મળી શકે છે. જો પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વધશે તો તેની અસર ભારત પર પણ પડી શકે છે, કારણ કે તે ક્ષેત્રીય સુરક્ષા અને આર્થિક સંબંધોને અસર કરી શકે છે.








