Rohit sharma: શું ઓસ્ટ્રેલિયા સામે ગિલને બદલે રોહિત કરશે ભારતનું નેતૃત્વ? મોટી અપડેટ

રોહિત શર્માને લઈ સારા સમાચાર છે. પરંતુ શુભમન ગિલના ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કમાન રોહિતને મળી શકે છે. પસંદગીકારો શુભમન ગિલને આરામ આપી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની આગામી ODI સિરિઝમાં રોહિતની સાથે વિરાટ કોહલી પણ જોવા મળી શકે છે. ત્રણ મેચની આ સિરિઝ 19 ઓક્ટોબરથી પર્થમાં શરૂ થશે. પસંદગીકારો અમદાવાદ ટેસ્ટ દરમિયાન ટીમની પસંદગી કરે તેવી ધારણા છે.
રોહિત અંગે મોટી અપડેટ
મળતી માહિતી અનુસાર BCCIના સૂત્રોનું કહેવું છે કે રોહિત શર્માને કારણ વગર ભારતીય ટીમના કેપ્ટન પદ પરથી દૂર કરવામાં આવી રહ્યો નથી. વનડેમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, અને જ્યાં સુધી તે પોતે એવું ન કહે કે તે ફક્ત બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, ત્યાં સુધી તેણે ટીમનું નેતૃત્વ ચાલુ રાખવું જોઈએ.
હાલમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી
BCCIના સૂત્રો કહે છે કે ભારત ઓસ્ટ્રેલિયા સામે ત્રણ અને ન્યુઝીલેન્ડ સામે ત્રણ ODI રમશે. તેથી આ સમયે કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. બોર્ડની પ્રાથમિકતા આવતા વર્ષે ઘરઆંગણે યોજાનાર T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પોઈન્ટ મેળવવાની છે. જોકે, જિયો હોટસ્ટારે ODI સિરિઝના પ્રમોશનલ ટીઝરમાં રોહિત અને કોહલી જોવા મળતા સીન સામેલ કર્યા હતા. જેને કારણે ચર્ચા ઉભી થઈ છે કે આ બંને અનુભવી ખેલાડીઓ સિરિઝનો ભાગ બની શકે અને રોહિત કેપ્ટનશીપ સંભાળી શકે છે.
મેદાન પર રમતા જોવા મળી શકે ROKO
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે, બંનેનું ફોકસ ફક્ત ODI ક્રિકેટ પર છે. આવામાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે રમી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી બંને અનુભવી ખેલાડીઓ લગભગ સાત મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા હતા. જો કે, તે પહેલા કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં મેચવિનિંગ ઇનિંગ રમી હતી.
શુભમન ગિલને આરામ મળી શકે
પસંદગીકારો ટીમના યુવા કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ પર નજર રાખશે. વર્કલોડ મેનેજમેન્ટ અને ફિટનેસના કારણોસર તેને આ સિરિઝમાંથી આરામ મળી શકે છે. ગિલ છેલ્લા એક વર્ષથી તમામ ફોર્મેટમાં સતત રમી રહ્યો છે. તેથી પસંદગી સમિતિ તેને થોડા સમય માટે ODI અથવા T20થી બ્રેક આપવાનું વિચારી શકે છે.

