IND vs WI / રાહુલ-જુરેલ-જાડેજાની સદીથી મેચમાં ભારતનો દબદબો, બીજા દિવસના અંતે ભારતીય ટીમ 286 રનથી આગળ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેના બીજા દિવસની રમતના અંત સુધીમાં, ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 448 રન બનાવ્યા છે. બીજા દિવસની રમતના અંતે રવિન્દ્ર જાડેજા 176 બોલમાં 104 રન બનાવીને અણનમ રહ્યો. તેની સાથે વોશિંગ્ટન સુંદર પણ 13 બોલમાં 9 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગ ફક્ત 162 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં કુલ લીડ 286 રન થઈ ગઈ છે.
કેવો રહ્યો બીજો દિવસ?
ભારતીય ટીમે બીજા દિવસે 121/2થી પોતાની ઈનિંગ ફરી શરૂ કરી. કેપ્ટન શુભમન ગિલ 50 રન બનાવીને આઉટ થયો. બીજી તરફ, કેએલ રાહુલ 100 રન બનાવીને આઉટ થયો. રાહુલે લગભગ નવ વર્ષ પછી હોમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. તેણે 197 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 4 વિકેટે 218 રન હતો.
આ પછી ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજાનું તોફાન આવ્યું, બંને ખેલાડીઓએ પાંચમી વિકેટ માટે 206 રનની પાર્ટનરશિપ કરી. આ દરમિયાન ધ્રુવ જુરેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી. તેણે 210 બોલમાં 125 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. જુરેલના આઉટ થયાના થોડા સમય બાદ જ રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની સદી પૂર્ણ કરી. તેણે 168 બોલમાં 100 રન પૂર્ણ કર્યા. આ જાડેજાની છઠ્ઠી ટેસ્ટ સદી છે. તેણે સૌથી વધુ ટેસ્ટ સદીઓના ધોનીના રેકોર્ડની બરાબરી કરી. ધોનીએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 6 સદી ફટકારી હતી. બીજા દિવસની રમતના અંતે જાડેજા 104 રનની ઈનિંગ રમીને અણનમ પાછો ફર્યો.
વેસ્ટ ઈન્ડિઝ માટે, કેપ્ટન રોસ્ટન ચેઝે અત્યાર સુધી સૌથી વધુ 2 વિકેટ લીધી, જેમાં તેણે સાઈ સુદર્શન અને શુભમન ગિલને આઉટ કર્યા. જ્યારે જેડેન સીલ્સ, ખેરી પિયર અને જોમેલ વારિકને 1-1 વિકેટ લીધી.

