IND vs WI / ધ્રુવ જુરેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફટકારી પહેલી સદી, રાંચીના અધૂરા કામને અમદાવાદમાં પૂરું કર્યું

ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે શુક્રવારે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પોતાની સદી પૂર્ણ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જુરેલની આ પહેલી સદી છે.
જ્યારે રિષભ પંત ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઈજાગ્રસ્ત થયો હતો, તે હજુ પણ રિકવર થઈ રહ્યો છે, તેના કારણે એવું નક્કી થયું હતું કે પંત વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ ટેસ્ટ સિરીઝ નહીં રમી શકે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમની ચિંતા વધી ગઈ. પ્રશ્ન એ હતો કે પંતનું સ્થાન કોણ લેશે. અન્ય ખેલાડી તેને પ્લેઈંગ ઈલેવનમાં રિપ્લેસ તો કરી શકે છે, પરંતુ તેની જેમ બેટિંગ કરવી સરળ નથી. આનાથી ધ્રુવ જુરેલનું નામ ઉભરી આવ્યું. જુરેલ પંત જેવો જ ખેલાડી છે, અને તેણે એ સાબિત પણ કરી દીધું છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં મોટી ઈનિંગ્સ રમી શકે છે.
રાંચીમાં અધૂરું રહેલું કામ પૂરું કર્યું
આ જુરેલની માત્ર છઠ્ઠી ટેસ્ટ મેચ છે, અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેસ્ટ ક્રિકેટ રમવાની પોતાની ક્ષમતા દર્શાવી છે. જુરેલને પહેલી તક 2024માં ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં મળી હતી. ત્યારે, પંત ઈજાગ્રસ્ત થયો હતો, અને કેએસ ભરત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. જુરેલે રાજકોટમાં ડેબ્યુ કર્યું હતું, તેણે પ્રથમ ઈનિંગમાં 46 રન બનાવ્યા હતા. જ્યારે તેને બીજી ઈનિંગમાં બેટિંગની તક નહતી મળી
પછી રાંચી ટેસ્ટ આવી, જ્યાં જુરેલે પ્રથમ ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી. એવું લાગી રહ્યું હતું કે તે પોતાની પહેલી સદી પૂર્ણ કરી લેશે, પરંતુ 90 રન બનાવીને આઉટ થયો. તે સમયે જુરેલ ખૂબ જ દુઃખી હતો, કારણ કે તે જાણતો હતો કે આવી તક ઘણી મુશ્કેલીથી મળે છે. જે વાત પણ સાચી છે, કારણ કે પંતના આગમન સાથે, ટીમમાં તેની જગ્યા નહતી બનતી. પંતની ઈજા પછી, તેને આખરે તક મળી, અને આ બેટ્સમેને અમદાવાદમાં પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારીને રાંચીમાં અધૂરું રહેલું કામ પૂરું કર્યું.
12મો ભારતીય બન્યો
જુરેલ ટેસ્ટ સદી ફટકારનાર 12મો ભારતીય વિકેટકીપર છે. વધુમાં, તે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારનાર પાંચમો ભારતીય વિકેટકીપર છે.

