IND vs WI / મોહમ્મદ સિરાજે રચ્યો ઈતિહાસ, આ મામલે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને પાછળ છોડ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો પહેલો દિવસ ભારતીય બોલર્સનો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાના પેસર અને સ્પિનરે સાથે મળીને શાનદાર બોલિંગ કરી, મુલાકાતી ટીમની આખી ઈનિંગ 162 રનમાં સમેટાઈ ગઈ. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને સૌથી વધુ પરેશાન કરનાર બોલર બીજું કોઈ નહીં પણ મોહમ્મદ સિરાજ હતો, જેણે ચાર વિકેટ લઈને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
ભારતીય પેસર મોહમ્મદ સિરાજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના વર્તમાન ચક્રમાં વર્ષ 2025નો સૌથી સફળ બોલર છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ચાર વિકેટ સાથે, તેણે 21 વિકેટ પૂર્ણ કરી છે. જ્યારે જસપ્રીત બુમરાહના નામે 4 મેચમાં 17 વિકેટ છે.
સિરાજે આ મામલે સ્ટાર્કને પાછળ છોડી દીધો
જો આપણે વર્ષ 2025માં લેવાયેલી સૌથી વધુ ટેસ્ટ વિકેટોની સંખ્યાને ધ્યાનમાં લઈએ, તો સિરાજના નામે 31 વિકેટ છે. તેણે આ મામલે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક (29 વિકેટ) ને પાછળ છોડી દીધો છે. હવે તે વર્ષ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સમાં બીજા નંબર પર પહોંચી ગયો છે. તેણે 7 મેચની 12 ઈનિંગ્સમાં 31 વિકેટ લીધી છે. આ મામલે પહેલા નંબર પર ઝિમ્બાબ્વેનો બોલર બ્લેસિંગ મુઝરબાની છે, તેણે 2025માં 9 મેચની 13 ઈનિંગ્સમાં 36 વિકેટ લીધી છે.
અમદાવાદમાં જોવા મળ્યું મિયાં મેજિક
અમદાવાદની પિચ પર સિરાજની ઘાતક બોલિંગે સાબિત કર્યું કે તે ટીમ ઈન્ડિયાના સૌથી વિશ્વસનીય બોલર્સમાંનો એક છે. તેણે શાનદાર લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરી, 4 મહત્ત્વ પૂર્ણ વિકેટ લીધી. સિરાજે તેજનારાયણ ચંદ્રપોલ, એલિક આથનાઝ, રોસ્ટન ચેઝ અને બ્રાંડન કિંગને આઉટ કર્યા હતા.
42 મેચમાં 127 વિકેટ
2020માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનાર મોહમ્મદ સિરાજે 42 ટેસ્ટ મેચમાં 127 વિકેટ લીધી છે, જેમાં 5 વખત 5 વિકેટ હોલનો સમાવેશ થાય છે. તે હાલમાં પેસ એટેકના સ્ટાર બોલર્સમાં સામેલ છે. જસપ્રીત બુમરાહ સાથેની તેની જોડી ઉત્તમ રહી છે.

