IND vs WI / મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલે પહેલા દિવસે મચાવી ધમાલ, નિષ્ફળ રહ્યા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થઈ ગઈ છે. પહેલી મેચ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઈનિંગમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું. પ્રથમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના કોઈ પણ ખેલાડીએ સારું પ્રદર્શન ન કરી શક્યા. દરમિયાન, ભારત માટે મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલો દિવસ આ ખેલાડીઓના નામે રહ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયું
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન પહેલા દિવસે નિષ્ફળ રહ્યા. ટીમમાંથી કોઈપણ અડધી સદી સુધી ન પહોંચી શક્યું. ટીમ માટે જસ્ટિન ગ્રીવ્સે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 48 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ સિવાય શાઈ હોપે 36 બોલમાં 26 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન રોસ્ટન ચેઝે 43 બોલમાં 24 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઈનિંગમાં 44.1 ઓવરમાં 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું.
કેએલ રાહુલે અડધી સદી ફટકારી
ભારત માટે પહેલા દિવસે કેએલ રાહુલનું બેટ ચાલ્યું. તેણે 114 બોલમાં 53 રનની શાનદાર અણનમ ઈનિંગ રમી. તે બીજા દિવસે પણ બેટિંગમાં પાછો ફરશે. ઓપનર યશસ્વી જયસ્વાલ કંઈ ખાસ ન કરી શક્યો અને 54 બોલમાં 36 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો સાઈ સુદર્શન પણ નિષ્ફળ ગયો, તેણે 19 બોલમાં 7 રન બનાવ્યા હતા. જોકે, કેપ્ટન ગિલ દિવસના અંત સુધી ક્રીઝ પર ટકી રહ્યો, તેણે 42 બોલમાં અણનમ 18 રન બનાવ્યા. ભારત બીજા દિવસે શુભમન ગિલ અને કેએલ રાહુલ પાસેથી મોટી ઈનિંગ્સની આશા રાખશે. પહેલા દિવસની રમતના અંતે, ભારતે 38 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા ચે. હાલમાં, ભારત 41 રન પાછળ છે.
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ છવાયા
ભારત માટે મોહમ્મદ સિરાજે સૌથી વધુ વિકેટ લીધી. તેણે 14 ઓવર બોલિંગ કરતા 40 રન આપ્યા અને 4 બેટ્સમેનોને આઉટ કર્યા. જસપ્રીત બુમરાહે પણ સારી બોલિંગ કરી, તેણે 14 ઓવરમાં 42 રન આપીને ત્રણ વિકેટ લીધી. આ સિવાય કુલદીપ યાદવે 2 અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી હતી.

