એશિયા કપના હીરો તિલક વર્માએ પરત ફરતા આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'પાકિસ્તાન હાલમાં ભારતની બરાબરી...'

એશિયા કપ 2025ની ફાઈનલમાં પાકિસ્તાન સામે અણનમ 69 રનની મેચ વિનિંગ ઈનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવનાર યુવા બેટ્સમેન તિલક વર્માની ઘણી ચર્ચા થઈ રહી છે. 28 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલી હાઉ-વોલ્ટેજ ફાઈનલમાં, તિલક 53 બોલમાં 69 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરમાં રોમાંચક જીત અપાવવામાં મદદ કરી હતી. ફાઈનલનો હીરો તિલક વર્મા ટીમ ઈન્ડિયાને જીત અપાવ્યા પછી ભારત પરત ફર્યો છે, અને 29 સપ્ટેમ્બરે પોતાના વતન હૈદરાબાદ પહોંચ્યા પછી, તેનું જોરદાર સ્વાગત થયું હતું. તેના આગમન પર, તેણે મીડિયાને સંબોધન કર્યું, જેમાં તેણે કેપ્ટન સૂર્યકુમાર યાદવના નિવેદનને સમર્થન આપ્યું કે પાકિસ્તાન હાલમાં ભારતની બરાબરી કરવાની સ્થિતિમાં નથી.
ભારત અને પાકિસ્તાનનો કોઈ મુકાબલો નથી
તિલક વર્માએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે સંમત છે કે ભારત અને પાકિસ્તાન હવે મોટી હરીફાઈ નથી. તેણે કહ્યું પાકિસ્તાન આપણી ટીમ સામે ટકવાને લાયક નથી. પરંતુ દરેક ટીમની જેમ, તેણે પણ અલગ અલગ યોજનાઓ બનાવી. જોકે, તેણે સ્વીકાર્યું કે ભારત-પાકિસ્તાન મેચમાં દબાણ હતું. રોમાંચક ફાઈનલ અંગે, તિલકએ કહ્યું કે 147 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે, તેણે દબાણ અનુભવ્યું, પરંતુ તેના મગજમાં માત્ર દેહસ હ હતો. 140 કરોડ ભારતીયો માટે મેચ જીતવી તેની પ્રાથમિકતા હતી.
પાકિસ્તાને ખૂબ સ્લેજિંગ કર્યું
જ્યારે ભારતનો સ્કોર 2 વિકેટે 10 રન હતો, ત્યારે તિલક બેટિંગ કરવા આવ્યો હતો, અને ટૂંક સમયમાં જ સ્કોર 3 વિકેટે 20 રન થઈ ગયો. તિલકે જણાવ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેણે કહ્યું, "અમે ત્રણ વિકેટ ગુમાવતા જ, પાકિસ્તાની ખેલાડીઓએ અમારા પર પ્રભુત્વ મેળવવાનું શરૂ કરી દીધું." તિલક વર્માએ કહ્યું કે પાકિસ્તાને ફાઈનલમાં ખૂબ સ્લેજિંગ કર્યું, પરંતુ તેના મગજમાં એ જ હતું કે તેમાં ફસ્સાવાનું નથી, કારણ કે દેશની જીત તેના માટે વધુ મહત્ત્વપૂર્ણ હતી. તેથી, તેણે બેટથી જવાબ આપ્યો.

