Asia Cup 2025 જીત્યા બાદ ભારતીય ટીમ પર થયો પૈસાનો વરસાદ, BCCI જાહેર કર્યું આટલા કરોડનું ઈનામ

ભારતીય ક્રિકેટ ટીમે T20 એશિયા કપ 2025ની ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, અને નવમી વખત એશિયા કપ ટ્રોફી જીતી. પાકિસ્તાને ભારતીય ટીમને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો, અને ભારતીય ટીમે તિલક વર્મા, શિવમ દુબે અને સંજુ સેમસનની ઈનિંગ્સને કારણે તેને 2 બોલ બાકી રહેતા ચેઝ કરી લીધો.
BCCI એ 21 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
એશિયા કપ 2025નું ટાઈટલ જીત્યા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ટીમ અને તેના સપોર્ટ સ્ટાફ માટે 21 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. દરેક ખેલાડીને કેટલી રકમ મળશે તે હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું.
ભારત 9મી વખત એશિયા કપ જીત્યો
ભારતીય ક્રિકેટ ટીમે 9મી વખત એશિયા કપ જીત્યો છે, જેમાં 7 વખત ODI ફોર્મેટ અને 2 વખત T20 ફોર્મેટનું ટાઈટલ સામેલ છે. ભારતીય ટીમ સૌથી વધુ એશિયા કપ ટાઈટલ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. શ્રીલંકાની ટીમે છ વખત એશિયા કપ ટ્રોફી જીતી છે, જ્યારે પાકિસ્તાની ટીમે ફક્ત બે વાર જ આ ટ્રોફી જીતી છે.
કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી
T20 એશિયા કપ 2025ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 146 રન બનાવ્યા હતા. ટીમે સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાન વચ્ચે 84 રનની પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત થઈ. જોકે, બંનેના આઉટ થયા પછી, પાકિસ્તાની ટીમની બેટિંગ પડી ભાંગી અને આખી ટીમ ફક્ત 146 રનમાં જ સમેટાઈ ગઈ. પાકિસ્તાને પોતાની છેલ્લી નવ વિકેટ 33 રનમાં ગુમાવી દીધી. ભારતીય ટીમ માટે કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ માટે ફાઈનલમાં તિલક વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 53 બોલમાં 69 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. શિવમ દુબેએ પણ 22 બોલમાં 33 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

