બેંગલુરુ ટેસ્ટ હાર્યા બાદ શું WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે ભારતીય ટીમ? અહીં જાણો સંપૂર્ણ ગણિત
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમ

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી, જેના પાંચમા દિવસે ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ભારતીય ટીમ પર આ હારની વધારે અસર નહીં થાય.
બેંગલુરુ ટેસ્ટમાં જીત સાથે કિવી ટીમે સિરીઝણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બેંગલુરુ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે 46 રન બનાવ્યા હતા. આ પછી કિવી ટીમે 402 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં સારી બેટિંગ કરી અને 462 રન બનાવ્યા. જેના કારણે ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિવી ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
ભારતીય ટીમે 6.18 ટકા પોઈન્ટ ગુમાવ્યા છે
સિરીઝની પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ પ્રશંસકોના મનમાં ચોક્કસપણે એક પ્રશ્ન હશે કે હવે WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ભારતીય ટીમ પર શું અસર થશે? શું ભારત ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે? આના જવાબમાં તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પર વધારે અસર નહીં થાય.
જોકે, ભારતીય ટીમ માટે ફાઈનલમાં પહોંચવાનો માર્ગ થોડો મુશ્કેલ બની શકે છે. બેંગલુરુ ટેસ્ટના પરિણામ પહેલા ભારતીય ટીમના WTC પોઈન્ટ્સમાં 74.24 PCT હતા. જ્યારે હાર બાદ 68.06 PCT થઈ ગયા છે. જોકે ટીમ હજુ પણ ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા 62.50 PCT સાથે બીજા સ્થાને છે.
WTC ફાઈનલમાં પહોંચવાના સમીકરણો
હવે બેંગલુરુ ટેસ્ટ બાદ ભારતીય ટીમે આ WTC સિઝન 2023-25માં વધુ 7 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, બેંગલુરુ ટેસ્ટની હાર બાદ, ભારતીય ટીમને તેની બાકીની 7 મેચમાંથી ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. જો તે 4 મેચ જીતશે તો સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. 3 ટેસ્ટ જીતવાના કિસ્સામાં, ભારતે કોઈ અન્ય ટીમની જીત અથવા હાર પર આધાર રાખવો પડી શકે છે.
ભારતીય ટીમે તેની આગામી 7 મેચ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આમાં, બાકીની એટલે કે વર્તમાન સિરીઝની છેલ્લી 2 મેચ કિવી ટીમ સામે રમવાની રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ સામે તેના ઘરઆંગણે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે.
આ રીતે મળે છે પોઈન્ટ
આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સાઈકલ છે, જે 2023થી 2025 સુધી ચાલશે. ICC આ ત્રીજા સાઈકલ માટે પોઈન્ટ સિસ્ટમ સાથે સંબંધિત નિયમો પહેલાથી જ જાહેર કરી ચૂક્યું છે. જો ટીમ ટેસ્ટ મેચ જીતે તો તેને 12 પોઈન્ટ, મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ અને મેચ ટાઈ થાય તો 6 પોઈન્ટ મળશે.
મેચ જીતવા પર 100 ટકા પોઈન્ટ ઉમેરવામાં આવશે, ટાઈ પર 50 ટકા, ડ્રો પર 33.33 ટકા અને હાર પર ઝીરો ટકા પોઈન્ટ ઉમેરવામાં આવશે. બે મેચની સિરીઝમાં કુલ 24 પોઈન્ટ્સ અને પાંચ મેચની સિરીઝમાં 60 પોઈન્ટ્સ ઉપલબ્ધ થશે. રેન્કિંગ મુખ્યત્વે WTC ટેબલમાં PCTના આધારે નક્કી કરવામાં આવે છે.
WTC પોઈન્ટ સિસ્ટમ
- મેચ જીતવા પર 12 પોઈન્ટ.
- જો મેચ ટાઈ થાય તો 6 પોઈન્ટ.
- જો મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ.
- જીતેલી મેચની ટકાવારીના આધારે ટીમોને ક્રમ આપવામાં આવે છે.
- ટોચની બે ટીમો 2025માં લોર્ડ્સમાં યોજાનારી ફાઈનલમાં પહોંચશે.
- સ્લોઓવર રેટના કિસ્સામાં પોઈન્ટ કાપવામાં આવે છે.








