ડોનાલ્ડ ટ્રમ્પની પૂર્વ પૂત્રવધુના પ્રેમમાં પડ્યો ટાઈગર વુડ્સ, સોશિયલ મીડિયામાં કર્યો એકરાર
ટાઈગર વુડ્સ ગોલ્ફની દુનિયાનું બહુ મોટું નામ છે. 49 વર્ષના આ અબજોપતિ ગોલ્ફરે હાલમાં જ તેના &

ટાઈગર વુડ્સ ગોલ્ફની દુનિયાનું બહુ મોટું નામ છે. 49 વર્ષના આ અબજોપતિ ગોલ્ફરે હાલમાં જ તેના ‘X’ એકાઉન્ટ પર બે ફોટોગ્રાફ મૂકીને તેમના નવા સંબંધની જાહેરાત કરી હતી. વુડ્સે જે મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું જાહેર કર્યું છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા હેડન છે.
ટાઈગર વુડ્સે આ મામલે X પર આપી જાણકારી
ટાઈગર વુડ્સે લખ્યું છે કે, ‘લવ ઈઝ ઈન ધી એર (પ્રેમ થઈ રહ્યો છે). તમે મારી સાથે હોવાથી જિંદગી બહેતર લાગી રહી છે! અમે સાથે મળીને આ જીવનસફરમાં આગળ વધવા માંગીએ છીએ.’ આ પોસ્ટ મૂકીને ટાઈગર વુડ્સે તેમની નજીકના લોકોની પ્રાઈવસી જળવાય એ માટેની વિનંતી પણ કરી હતી. પ્રેમનો એકરાર કરતી પોસ્ટ સાથે ટાઈગર વુડ્સે બે ફોટો પણ મૂક્યા છે.
વેનેસા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રવધૂ હતાં
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસાના લગ્ન 2005માં થયા હતા. 12 વર્ષ સાથે રહ્યા બાદ 2018 માં તેમણે છૂટાછેડા લીધા હતા. તેમને પાંચ બાળકો છે. વેનેસાની પુત્રી ‘કાઈ’ જે સ્કૂલમાં ભણે છે, એ જ સ્કૂલમાં વુડ્સના બાળકો ‘સેમ’ અને ‘ચાર્લી’ પણ ભણે છે. વેનેસાની વય 47 વર્ષ છે.
નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના માતા ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા પત્ની ઈવાના ટ્રમ્પ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈવાનાએ 1977માં લગ્ન કર્યા હતા, જ્યારે 1990માં છૂટાછેડા લઈ લીધા હતા.
પ્રેમમાં પડવું ટાઈગર વુડ્સ માટે નવું નથી!
દુનિયાના સર્વશ્રેષ્ઠ ગોલ્ફર પૈકીના એક એવા ટાઈગર વુડ્સના ઘણી સ્ત્રીઓ સાથે રોમેન્ટિક સંબંધ રહી ચૂક્યા છે. તેણે 2004 માં એલિન નોર્ડેગ્રેન સાથે લગ્ન કર્યા હતા. 2010 માં ટાઈગરનો લગ્નેતર સંબંધ જાહેર થઈ ગયા પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને બે બાળકો છે. છૂટાછેડા પછી વુડ્સનો પ્રેમસંબંધ સ્કી રેસર ‘લિન્ડસે વોન’ સાથે રહ્યો હતો. એ પણ બે વર્ષમાં મુરઝાઈ ગયો હતો. છેલ્લે તેમનો સંબંધ એરિકા હર્મન સાથે હતો. આ દરમિયાન વુડ્સ અને હર્મન કાયદાકીય વિવાદમાં ફસાયા અને 2022માં સમાધાન કરીને છૂટા પડ્યા.
રોમેન્ટિક મિજાજ છતાં પ્રેમનો દેખાડો પસંદ નથી
ટાઈગર વુડ્સ અંગત જીવનને ખાનગી રાખવામાં માને છે. તે ભાગ્યે જ તેમના પ્રેમપ્રસંગો વિશે સોશિયલ મીડિયામાં લખે છે. અલબત્ત, તે ક્યારે કોની સાથે પ્રેમમાં રમમાણ છે, એ છુપાવતો નથી. 2013માં પણ તેણે એક પોસ્ટ મૂકીને લિન્ડસે વોન સાથેના તેના સંબંધની પુષ્ટિ કરી હતી. એ સમયે તેણે લખ્યું હતું કે, આમ જાતે જ પ્રેમની જાહેરાત કરતા ફોટા મૂકી દેવાથી પાપારાઝી અને મીડિયાની કનડગત ઓછી કરી શકાય છે.
વુડ્સ અને વેનેસા ભેગા ક્યાં જોવા મળ્યા?
તાજેતરમાં વુડ્સ અને વેનેસા સાન ડિએગોમાં ટોરી પાઈન્સ ખાતે ભેગા જોવા મળ્યા હતાં. એક ગોલ્ફ ટુર્નામેન્ટમાં ઈનામ વિજેતાને ટ્રોફી આપવા માટે વુડ્ઝ ત્યાં ગયો હતો. વુડ્સ હાલ આરામના મૂડમાં છે, કેમ કે 11 માર્ચના રોજ તેના ડાબા પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે હાલમાં ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે એમ નથી.








