IND vs SA / સાઉથ આફ્રિકાના પ્રવાસે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ ખેલાડી હશે ટીમ ઈન્ડિયાના કોચ
ન્યુઝીલેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝના અંત પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં 4 T20 મેચોની સિર

ન્યુઝીલેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝના અંત પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં 4 T20 મેચોની સિરીઝ રમશે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ T20 મેચ 8 નવેમ્બરે ડરબનમાં રમશે. આ પછી ટીમ 10 નવેમ્બરે યોજાનારી બીજી T20 મેચ માટે ગકેબરહા જશે. ત્યારબાદ બાકીની બે મેચ સેન્ચુરિયન (13 નવેમ્બર) અને જોહાનિસબર્ગ (15 નવેમ્બર) માં રમાશે.
ગંભીર સાઉથ આફ્રિકાના પ્રવાસ પર નહીં જાય
હવે સાઉથ આફ્રિકા પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હેડ કોચ ગૌતમ ગંભીર આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય. ટીમ ઈન્ડિયા 4 નવેમ્બરની આસપાસ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આવી સ્થિતિમાં ગંભીર માત્ર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જ જઈ શકશે.
ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના હેડ કોચ હશે. સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક ટોચના અધિકારીએ આ નિર્ણય વિશે જણાવ્યું હતું. આ ચાર મેચની T20 સિરીઝ શરૂઆતમાં નક્કી કરવામાં આવી ન હતી, પરંતુ BCCI અને ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) વચ્ચેની વાતચીત બાદ આ પ્રવાસને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સાઈરાજ બહુતુલે, ઋષીકેશ કાનિતકર અને સુભાદીપ ઘોષ પણ સાઉથ આફ્રિકા પ્રવાસ પર કોચિંગ સ્ટાફનો ભાગ હશે. બહુતુલે, કાનિતકર અને ઘોષે ઓમાનમાં યોજાયેલી ઈમર્જિંગ એશિયા કપ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને કોચિંગ આપ્યું હતું. બીજી તરફ સૌરાષ્ટ્રના સીતાંશુ કોટક અને કેરળના મઝહર મોઈદુ ઈન્ડિયા A ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયા છે.
આ પહેલા પણ જ્યારે રાહુલ દ્રવિડે બ્રેક લીધો ત્યારે વીવીએસ લક્ષ્મણ હંમેશા ચાર્જમાં હતા. વીવીએસ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના આઉટગોઇંગ ડિરેક્ટર છે. એટલું જ નહીં, તે અંડર-19 મેન્સ ટીમના હેડ કોચ પણ છે. વીવીએસ લક્ષ્મણના કોચિંગ હેઠળ 2022 અંડર-19 વર્લ્ડ કપ યશ ધૂલની આગેવાની હેઠળની ટીમેજીત્યો હતો. લક્ષ્મણે 134 ટેસ્ટ મેચમાં 45.97ની એવરેજથી 8781 રન બનાવ્યા છે. 86 ODI મેચોમાં તેના નામે 2338 રન છે.
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ભારતીની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાક, અવેશ ખાન, યશ દયાલ.
ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ
- 8 નવેમ્બર - 1લી T20, ડરબન
- 10 નવેમ્બર- 2જી T20, ગકેબરહા
- 13 નવેમ્બર- 3જી T20, સેન્ચુરિયન
- 15 નવેમ્બર- 4થી T20, જોહાનિસબર્ગ








