T20 World Cup 2026 / બીજી મેચમાં નામિબિયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યારે અને ક્યાં રમાશે મુકાબલો

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં તેની બીજી મેચ નામિબિયા સામે રમવાની છે. પહેલી મેચ જીત્યા બાદ આત્મવિશ્વાસ સાથે ટીમ ઈન્ડિયા હવે ગુરુવાર, 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે નામિબિયાનો સામનો કરશે. આ મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ફેન્સની નજર ફરી એકવાર પ્લેઈંગ ઈલેવન અને બેટ્સમેનના પ્રદર્શન પર હશે.
ટીમ ઈન્ડિયા પહેલી મેચમાંથી શીખ લઈને ઉતરશે
ભારતે પોતાની પહેલી મેચમાં USAને હરાવીને ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ આ જીત સરળ નહતી. એક સમયે ટીમ ઈન્ડિયાના મોટા બેટ્સમેન સતત આઉટ થઈ રહ્યા હતા અને ટીમ દબાણમાં આવી ગઈ હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે કમાન સંભાળી અને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવા માટે શાનદાર ઈનિંગ રમી. હવે આશા છે કે ટોપ ઓર્ડરના બેટ્સમેન નામિબિયા સામે વધુ સારા સંકલન સાથે પ્રદર્શન કરશે.
નામિબિયા પર ભારતનો દબદબો
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને નામિબિયા એક વાર એકબીજા સામે ટકરાયા છે. 2021ની મેચમાં ભારતે નામિબિયાને 9 વિકેટથી હરાવ્યું હતું. તે મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમે એકતરફી જીત નોંધાવી હતી. આંકડા દર્શાવે છે કે નામિબિયા પર ભારતનું પલડું ભારે છે.
પોઈન્ટ્સ ટેબલમાં ભારત ટોપ પર
ભારત હાલમાં ગ્રુપ Aમાં નંબર 1 પર છે. પહેલી મેચ જીત્યા પછી ટીમ ઈન્ડિયાના 2 પોઈન્ટ અને +1.450ની નેટ રન રેટ છે. પાકિસ્તાનના પણ બે પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટ ઓછી હોવાને કારણે તે ભારતથી નીચે છે.
મેચ લાઈવ ક્યાં જોવી?
T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને નામિબિયા વચ્ચેની મેચ ભારતમાં JioHotstar એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર પણ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
T20 વર્લ્ડ કપ માટે બંને ટીમો
ભારત: ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર.
નામિબિયા: ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), ઝેન ગ્રીન, બર્નાર્ડ શોલ્ટ્ઝ, રુબેન ટ્રમ્પલમેન, જેજે સ્મિટ, જાન ફ્રાઈલિનક, લોરેન સ્ટીનકેમ્પ, માલન ક્રુગર, નિકોલ લોફ્ટી-ઇટન, જેક બ્રેસેલ, બેન શિકોંગો, જેસી બાલ્ટ, ડાયલન લીચર, ડબલ્યુપી માયબર્ગ, મેક્સ હેન્ગો.

