IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મોટો દાવ: ઝહીર ખાન બાદ હવે આ દિગ્ગજ ચેમ્પિયન કોચની થઈ CSKમાં એન્ટ્રી!

IPL 2027ની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઇઝીએ પોતાના સપોર્ટ સ્ટાફમાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. તાજેતરમાં જ ભારતના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાનને હેડ કોચ બનાવ્યા બાદ હવે ચેન્નાઈએ ઇંગ્લેન્ડના પૂર્વ ઓફ-સ્પિનર ગેરેથ બેટી (Gareth Batty)ને ટીમના સહાયક કોચ (Assistant Coach) તરીકે નિયુક્ત કર્યા છે.
સરેને સતત 3 વર્ષ ચેમ્પિયન બનાવી ચૂક્યા છે બેટી
ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ સરે (Surrey)ના મુખ્ય કોચ તરીકે ગેરેથ બેટીનો ટ્રેક રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે. તેમના નેતૃત્વમાં સરેની ટીમે 2022થી 2024 દરમિયાન સતત ત્રણ વખત કાઉન્ટી ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. સરે ક્લબે સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરતા તેમના વિદાયની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, ગેરેથ બેટી ક્લબ છોડીને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાવા જઈ રહ્યા છે.
ઝહીર ખાન અને બેટીની જોડી સંભાળશે સુકાન
IPL 2027માં ગેરેથ બેટી હેડ કોચ ઝહીર ખાન સાથે મળીને ટીમના ખેલાડીઓને માર્ગદર્શન આપશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ બંને પાસે અત્યારે પાંચ-પાંચ આઈપીએલ ટ્રોફીઓ છે. સીએસકેએ છેલ્લે 2023માં ટાઇટલ જીત્યું હતું. હવે છઠ્ઠો ખિતાબ જીતવાના મિશન સાથે ઉતરનારી ચેન્નાઈની ટીમે પોતાના કોચિંગ સ્ટાફમાં ધરખમ ફેરફારો કરીને એક સંતુલિત અને અનુભવી ટીમ તૈયાર કરી છે.
ગેરેથ બેટીની ક્રિકેટ સફર
47 વર્ષીય ગેરેથ બેટીએ વર્ષ 2002માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને 2016 સુધી સક્રિય રહ્યા હતા. 14 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે ઇંગ્લેન્ડ માટે 9 ટેસ્ટ, 10 વન-ડે અને 1 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેમણે ટેસ્ટમાં 15 અને વન-ડેમાં 5 વિકેટ ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે તેમને મર્યાદિત તકો મળી હોય, પરંતુ કાઉન્ટી ક્રિકેટમાં એક સફળ કેપ્ટન અને અત્યંત સફળ કોચ તરીકે તેમની ગણના થાય છે.








