T20 વર્લ્ડ કપ 2026ની ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ, ફાઈનલ હારનારને પણ મળશે કરોડો રૂપિયા

T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. ત્યારે બધાની નજર આ મોટી ટુર્નામેન્ટ પર છે. બે વર્ષ પછી ફેન્સને ફરીથી સૌથી મોટી T20I ટુર્નામેન્ટ જોવા મળશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમની નજર વર્લ્ડ કપ ટ્રોફી પર છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં ભાગ લેનારી બધી ટીમોને ICC તરફથી અમુક રકમ મળશે. ICCએ હજુ સુધી સત્તાવાર રીતે રકમની જાહેરાત નથી કરી, પરંતુ અહેવાલો સૂચવે છે કે ટીમોને 2024ની એડિશન કરતાં 20 ટકા વધુ પ્રાઈસ મની મળશે.
T20 વર્લ્ડ કપમાં દરેક ટીમને કેટલી રકમ મળશે?
T20 વર્લ્ડ કપ 2026 માટે કુલ ઈનામી રકમ આશરે 13.5 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે 100 કરોડથી પણ વધુ થાય છે. આ રકમ T20 વર્લ્ડ કપમાં ભાગ લેનારા દેશોમાં વહેંચવામાં આવશે, જેમાં વિનર, રનર-અપ અને સેમીફાઈનલ હારેલી ટીમનો પણ સમાવેશ થાય છે. અહેવાલો મુજબ T20 વર્લ્ડ કપ 2026ની ચેમ્પિયન ટીમને 27.48 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળી શકે છે, જ્યારે રનર-અપ ટીમને 14.65 કરોડ રૂપિયા મળી શકે છે.
T20 વર્લ્ડ કપની પ્રાઈઝ મની
- વિનર- 27.48 કરોડ રૂપિયા
- રનર-અપ - 14.65 કરોડ રૂપિયા
- સેમીફાઈનલિસ્ટ - 7.24 કરોડ રૂપિયા (પ્રતિ ટીમ)
- 5-12 નંબર પર રહેલી ટીમો - 3.48 કરોડ રૂપિયા (પ્રતિ ટીમ)
- 13-20 નંબર પર રહેલી ટીમો - 2.29 કરોડ રૂપિયા (પ્રતિ ટીમ)
T20 વર્લ્ડ કપ 2026માં કુલ 55 મેચ રમાશે
ICCએ T20 વર્લ્ડ કપ 2026ને વધુ મોટો અને સારો બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ટુર્નામેન્ટમાં 20 ટીમો રમશે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા કરી રહ્યા છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થતી આ ટુર્નામેન્ટ 8 માર્ચ, 2026ના રોજ ફાઈનલ સાથે સમાપ્ત થશે. ટુર્નામેન્ટમાં કુલ 55 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે.

