મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

સૂર્યકુમાર અને જયસ્વાલ નહીં રમે, ભારતીય ટીમમાં 6 દિગ્ગજ ક્રિકેટરોની વાપસી, જુઓ કેવી છે વનડે ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 સીરિઝમાં ક્લીન સ્વ

સૂર્યકુમાર અને જયસ્વાલ નહીં રમે, ભારતીય ટીમમાં 6 દિગ્ગજ ક્રિકેટરોની વાપસી, જુઓ કેવી છે વનડે ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે શ્રીલંકા સામે વનડે સીરિઝ રમશે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 સીરિઝમાં યજમાન ટીમને ત્રણેય મેચમાં હરાવી દીધી હતી. આજથી બંને ટીમો વચ્ચે વનડે સીરિઝ શરૂ થવા જઈ રહી છે. જોકે, વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત શર્મા કરશે.

T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પહેલી વખત કોઈ સીરિઝમાં રમશે. રોહિતે T20 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ બ્રેક લીધો હતો. તે અને સાથી ખેલાડી વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ ફરીથી ટીમ ઈન્ડિયા માટે રમવા અને ટીમને જીતાડવા તત્પર છે. શ્રીલંકન ટીમ પણ T20 સીરિઝનો બદલો લેવાનો અને ભારતને હરાવવાનો પ્રયાસ કરશે. આ સીરિઝમાં લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, રોહિત શર્મા અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ રમતા દેખાશે. વન-ડે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ વન-ડે ફોરમેટમાં ફોર્મ મેળવવા અને ટીમને સીરિઝ જીતાડવા ઉતરશે.

કયા 6 ક્રિકેટર્સ થશે ટીમમાંથી બહાર?

T20 સીરિઝનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ, લેફ્ટ હેન્ડ ઓપનર યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિ બિશ્નોઇ અને રિંકુ સિંહ આ 6 ખેલાડીઓ ટીમમાંથી બહાર થશે. તેઓ વન ડે સીરિઝની સ્કવોડનો ભાગ નથી. 

કોણ થશે ટીમમાં સામેલ?

કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, શ્રેયસ અય્યર ટીમમાં વાપસી કરશે. આ ક્રિકેટર્સ 2023 વન ડે ક્રિકેટ વર્લ્ડકપની ટીમમાં બધી જ 11 મેચ રમ્યા હતા. આ સિવાય IPLનો સ્ટાર બોલર હર્ષિત રાણા પણ ટીમમાં નવો હશે. 

આજે 2:30 વાગ્યે પહેલી મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝની પહેલી ODI મેચ આજે શુક્રવારે (02 ઓગસ્ટ) કોલંબોના R પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યાથી રમાશે. 

ત્રણેય વન-ડે કોલંબોમાં રમાશે

સીરિઝની બીજી વનડે 4 ઓગસ્ટે રમાશે, જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે મેચ 7 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. શ્રીલંકાની કેપ્ટન્સી ચરિત અસલંકાના હાથમાં છે. ક્રિકેટ શ્રીલંકાએ અસલંકાને T20 બાદ ODI સીરિઝ માટે કેપ્ટન બનાવ્યો છે. ભારતીય ટીમ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકા પહોંચી છે. જ્યારે શ્રીલંકન ટીમને સનથ જયસૂર્યાનું માર્ગદર્શન મળી રહ્યું છે. 

India vs Sri lanka ODI ટીમ

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

શ્રીલંકા: ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સાદિરા સમરાવિક્રમા, કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાગે, નિશાન મદુષ્કા. વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલેજ, ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, અકિલા ધનંજય, દિલશાન મદુશંકા, મથિશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો.

આ સમાચાર શેર કરો