8 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં ટકરાશે સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન, મેચ જીતનારી ટીમ રચશે ઈતિહાસ
T20 વર્લ્ડ કપ 2024 તેના અંતિમ તબક્કામાં છે. સેમીફાઈનલ માટે ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમીફાઈ

T20 વર્લ્ડ કપ 2024 તેના અંતિમ તબક્કામાં છે. સેમીફાઈનલ માટે ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમીફાઈનલ મેચ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે 27 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે રમાશે. T20 વર્લ્ડ કપ જીતવો એ અત્યાર સુધી બંને ટીમો માટે સપનું જ રહ્યું છે. સેમીફાઈનલ મેચમાં જે પણ ટીમ જીતે, ઈતિહાસ ચોક્કસ રચાશે.
T20 વર્લ્ડ કપ 2024માં સાઉથ આફ્રિકાએ તમામ મેચ જીતી
એડન માર્કરમની કેપ્ટનશિપ હેઠળ સાઉથ આફ્રિકાની ટીમ વર્તમાન T20 વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી અને સતત 7 મેચ જીતી છે. ટીમે ત્રીજી વખત સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. બીજી તરફ રાશિદ ખાનની આગેવાની હેઠળની અફઘાનિસ્તાનની ટીમે ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને સુપર-8 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ પછી અફઘાનિસ્તાને સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. અફઘાનિસ્તાન પ્રથમ વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ માટે ક્વોલિફાય થયું છે.
8 વર્ષ બાદ ટકરાશે બંને ટીમ
T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે કુલ બે મેચ રમાઈ છે, જેમાં સાઉથ આફ્રિકાની ટીમ બંને વખત જીતી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ T20 વર્લ્ડ કપ 2016માં રમાઈ હતી. જેમાં આફ્રિકાની ટીમ 37 રને જીતી હતી. હવે 8 વર્ષ બાદ બંને ટીમોનો T20 વર્લ્ડ કપમાં સામનો થશે. બંને ટીમોમાંથી જે પણ સેમીફાઈનલ મેચ જીતશે તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચશે.
બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, ગુલબદ્દીન નાઈબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, કરીમ જનત, રાશિદ ખાન (કેપ્ટન), નાંગેલિયા ખારોટે, નૂર અહેમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.
દક્ષિણ આફ્રિકા: રીઝા હેન્ડ્રિક્સ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જોહ્ન્સન, કેશવ મહારાજ, કગીસો રબાડા, એનરિક નોરખિયા, તબરેઝ શમ્સી.








