મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SAW: શેફાલીએ  મહિલા ટેસ્ટ ક્રિકેટમાં મચાવી ધમાલ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી

દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. ભારત અને આફ્રિકા વચ્ચે એકમાત્ર ટેસ્ટ

IND vs SAW: શેફાલીએ  મહિલા ટેસ્ટ ક્રિકેટમાં મચાવી ધમાલ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી

દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. ભારત અને આફ્રિકા વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે રેકોર્ડ બેવડી સદીની ભાગીદારી નોંધાઈ હતી.

ઓપનર શેફાલી વર્માએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. ત્રણેય ફોર્મેટમાં આ તેની પ્રથમ શતકીય ઇનિંગ્સ હતી. તેણે 197 બોલમાં 205 રનની ઇનિંગ રમી હતી. જોકે, શેફાલીએ માત્ર 194 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે જ સ્મૃતિ મંધાનાએ પણ 149 રનની સદીની ઇનિંગ રમી હતી.

શેફાલીએ ફટકારેલી સદી મહિલા ટેસ્ટમાં આ સૌથી ઝડપી બેવડી સદી છે. અગાઉનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડના નામે હતો. જેણે આ વર્ષે દક્ષિણ આફ્રિકા સામે 248 બોલમાં બેવડી સદી ફટકારી હતી અને 256 બોલમાં 210 રન બનાવ્યા હતા.

શેફાલીએ ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ ફટકારી

શેફાલી વર્માએ 197 બોલમાં 205 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 8 સિક્સ અને 23 ફોર ફટકારી હતી. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ખેલાડીએ એક ઈનિંગમાં આટલી સિક્સર ફટકારી નથી. અગાઉ એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ એલિસ હિલીના નામે હતો. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ઈનિંગમાં 2 સિક્સર ફટકારી હતી. શેફાલીની 205 રનની આ ઇનિંગના 140 રન બાઉન્ડ્રીથી આવ્યા હતા. ભારત માટે એક ઇનિંગ્સમાં બાઉન્ડ્રીથી આવતા આ સૌથી વધુ રન છે. 

શેફાલી અને સ્મૃતિની જોડીએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ જોડીએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ભાગીદારી બનાવી છે. આ સાથે એશિયાની સૌથી મોટી ભાગીદારી હતી. દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 312 બોલમાં 292 રનની ભાગીદારી કરી હતી. અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનની કિરણ બલોચ અને સાજીદા શાહના નામે હતો. તેઓએ 2004માં વેસ્ટ ઈન્ડિઝ સામે કરાંચીમાં 241 રનની ભાગીદારી કરી હતી. ભારત માટે કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. 

જણાવી દઈએ કે, આ ટેસ્ટમાં પ્રથમ વખત કોઈ મહિલા ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે ઓપનર તરીકે બેવડી સદી ફટકારી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલાઓની માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પછી ત્રણ મેચની T20 શ્રેણી રમાશે.

આ સમાચાર શેર કરો