માત્ર આ 3 ટીમોએ જીત્યો છે મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ, જાણો કેવું રહ્યું છે ભારતનું પ્રદર્શન
UAEમાં પર 3 ઓક્ટોબરથી મહિલા T20 વર્લ્ડ કપ 2024 શરૂ થઈ રહ્યો છે. અગાઉ આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમવાન

UAEમાં પર 3 ઓક્ટોબરથી મહિલા T20 વર્લ્ડ કપ 2024 શરૂ થઈ રહ્યો છે. અગાઉ આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમવાની હતી, પરંતુ ત્યાંની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICCએ આ ટૂર્નામેન્ટ UAEમાં યોજવાનું નક્કી કર્યું. આ વખતે ટૂર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઈ રહી છે અને તેમને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ-એમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટીમ ઉપરાંત આ ગ્રુપમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ સામેલ છે. T20 વર્લ્ડ કપની અત્યાર સુધી કુલ 8 એડિશન થઈ ચૂક્યા છે.
ઈંગ્લેન્ડે પ્રથમ ખિતાબ જીત્યો હતો
2009માં પ્રથમ વખત મહિલા T20 વર્લ્ડ કપ રમાયો હતો. ત્યારે ઈંગ્લેન્ડની ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ પછી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમે રાજ કર્યું છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ અત્યાર સુધીમાં કુલ 6 વખત T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. વર્ષ 2016માં વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. અત્યાર સુધી માત્ર ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો જ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપના તમામ વિજેતાઓ
- 2009: ઈંગ્લેન્ડ
- 2010: ઓસ્ટ્રેલિયા
- 2012: ઓસ્ટ્રેલિયા
- 2014: ઓસ્ટ્રેલિયા
- 2016: વેસ્ટ ઈન્ડિઝ
- 2018: ઓસ્ટ્રેલિયા
- 2020: ઓસ્ટ્રેલિયા
- 2023: ઓસ્ટ્રેલિયા
ભારતીય ટીમ હજુ સુધી નથી જીતી
ભારતીય ટીમ એક વખત પણ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ નથી રહી. ટીમે વર્ષ 2020ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ તેને 85 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 184 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
T20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમનું પ્રદર્શન
- 2009: સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર
- 2010: સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર
- 2012: ગ્રુપ સ્ટેજમાંથી બહાર, 0 જીત
- 2014: ગ્રુપ સ્ટેજમાંથી 4 મેચમાં 2 જીત
- 2016: ગ્રુપ સ્ટેજમાંથી 4 મેચમાં 1 જીત
- 2018: સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર
- 2020: ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર
- 2023: સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર






