VIDEO: મહેન્દ્ર સિંહ ધોનીનો જાદુ... જ્યારે 28 વર્ષ બાદ ભારતે બીજી વખત જીત્યો ODI વર્લ્ડ કપ
ક્રિકેટમાં કેટલાક દિવસો ઈતિહાસમાં અંકિત છે. 2 એપ્રિલ, 2011 આવો જ એક દિવસ હતો. તે દિવસે ભારતે તેન


ક્રિકેટમાં કેટલાક દિવસો ઈતિહાસમાં અંકિત છે. 2 એપ્રિલ, 2011 આવો જ એક દિવસ હતો. તે દિવસે ભારતે તેના નાગરિકોને ગર્વ, આનંદ અને ઉત્સાહની અદ્ભુત ક્ષણ આપી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ જીત્યો.
1983માં કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતે પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. 28 વર્ષની લાંબી રાહ જોયા પછી ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા પછી ત્રીજી ટીમ બની, જેણે બે કે તેથી વધુ વખત ODI વર્લ્ડ કપ જીત્યો હોય.
વાનખેડે સ્ટેડિયમ ખાતે ફાઈનલનું વાતાવરણ ઉત્સાહજનક હતું. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 274 રન બનાવ્યા હતા. મહેલા જયવર્ધનેએ શાનદાર સદી (103) ફટકારી, કેપ્ટન કુમાર સંગાકારાએ 48 અને નુવાન કુલશેકરાએ 32 રન ઉમેર્યા હતા. ભારત તરફથી ઝહીર ખાન અને યુવરાજ સિંહે બે-બે વિકેટ લીધી હતી.
ધોનીનું જાદુઈ આગમન
275 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ 31 રનમાં બે વિકેટ ગુમાવી ચૂકી હતી અને 114 રન પર વિરાટ કોહલીના રૂપમાં ત્રીજી વિકેટ પડી હતી. ગૌતમ ગંભીર ક્રીઝ પર હતો અને તેને સાથ આપવા માટે યુવરાજ સિંહ આવે તેવી અપેક્ષા હતી, પરંતુ ધોનીએ પોતે ક્રીઝ પર આવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
થોનીએ ગૌતમ ગંભીર સાથે ચોથી વિકેટ માટે 109 રનની પાર્ટનરશિપ કરી. પછી, યુવરાજ સિંહ સાથે મળીને તેણે પાંચમી વિકેટ માટે અણનમ 54 રન બનાવ્યા. ગંભીરે 97 રન (122 બોલ, 9 ચોગ્ગા) ની મજબૂત ઈનિંગ રમી. જોકે, ધોનીએ 79 બોલમાં 91 રન (8 ચોગ્ગા, 2 છગ્ગા) જ ન બનાવ્યા, પણ 'બેસ્ટ ફિનિશર' ના વર્ણન પર ખરા ઉતરતા વિજયી છગ્ગા ફટકારીને ફેન્સ દિલ પણ જીતી લીધા. ધોનીએ ફાસ્ટ બોલર નુવાન કુલશેકરાને આ છગ્ગો ફટકાર્યો હતો. યુવરાજ 24 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો.
સચિન તેંડુલકરનો સુવર્ણ ક્ષણ
આ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો છેલ્લો વર્લ્ડ કપ પણ હતો, તેથી આ ખિતાબ તેના માટે એક ખાસ ભેટ હતો. વર્લ્ડ ચેમ્પિયન બનવાનું તેનું સ્વપ્ન પૂર્ણ થયું હોવાથી, ભારતીય ખેલાડીઓએ આ લેજન્ડ પોતાના ખભા પર ઉઠાવી અને આખા સ્ટેડિયમના ચક્કર લગાવ્યા હતા.
આખા વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ, સચિન તેંડુલકર અને ઝહીર ખાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુવરાજને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો હતો. તેણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેટ અને બોલ બંનેથી તબાહી મચાવી હતી. યુવરાજે વર્લ્ડ કપમાં 362 રન બનાવ્યા અને 15 વિકેટ લીધી. સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ 482 રન બનાવ્યા હતા, જ્યારે ઝહીર ખાને સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. સચિન અને ઝહીર ઓવરઓલ યાદીમાં બીજા સ્થાને રહ્યા હતા.
ભારતીય ટીમે આ માન્યતાઓને તોડી
ભારતે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને અનેક માન્યતાઓને તોડી નાખી. તે એવી પ્રથમ યજમાન ટીમ બની જેણે વર્લ્ડ કપ જીત્યો હોય. અગાઉ કોઈ ટીમે ઘરઆંગણે વર્લ્ડ કપ નહતો જીત્યો. ભારત પછી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પણ ઘરઆંગણે ODI વર્લ્ડ કપ જીત્યો હતો.
ટીમ ઈન્ડિયા ટાર્ગેટ ચેઝ કરતી વખતે ચેમ્પિયન બનનારી ત્રીજી ટીમ બની. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલા ફક્ત બે વાર બન્યું હતું. અગાઉ, ફાઈનલમાં સદી ફટકારનાર ટીમ હંમેશા જીતી હતી. પરંતુ આ પહેલીવાર હતું જ્યારે સદી મદદ ન કરી શકી. મહેલા જયવર્ધનેના અણનમ 103 રન છતાં, શ્રીલંકા જીત ન મેળવી શક્યું.







