Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Who is Sameer Rizvi who single handedly won match for Delhi Capitals

VIDEO: કોણ છે સમીર રિઝવી? જે લખનૌ સામે દિલ્હી કેપિટલ્સ માટે બન્યો સંકટ સમયની સાંકળ

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ક્રિકેટના મેદાનમાં જ્યારે કોઈ ખેલાડી પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર વિરોધી ટીમ તરફથી રમીને મેચ જીતાડે, ત્યારે એ હારનું દર્દ યજમાન ટીમ માટે સૌથી ઊંડું હોય છે. એકાના સ્ટેડિયમમાં 1 એપ્રિલ 2026ના રોજ કંઈક આવો જ નજારો જોવા મળ્યો. જે ઉત્તર પ્રદેશની માટીએ સમીર રિઝવીને ક્રિકેટના પાઠ ભણાવ્યા, એ જ મેદાન પર ઊભા રહીને આ યુવા બેટરે લખનૌ સુપર જાયન્ટ્સના વિજયના અરમાનો પર પાણી ફેરવી દીધું. લખનૌ માટે આ મેચ કોઈ ખરાબ સ્વપ્ન જેવી રહી, જ્યારે દિલ્હી કેપિટલ્સ માટે સમીર રિઝવી એક ચમત્કાર સાબિત થયો.

App Store

સંકટ સમયની સાંકળ: સમીરની ધીરજ અને સંયમ

જ્યારે દિલ્હીની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે મેદાનમાં આવેલા સમીર રિઝવીએ શરૂઆતમાં ખૂબ જ ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. એક તબક્કે તે 13 બોલમાં માંડ 5 રન બનાવી શક્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે આક્રમક વલણ અપનાવીને લખનૌના બોલર્સ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું. રિઝવીએ માત્ર 47 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 70 રનની વિજયી ઈનિંગ રમી હતી. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે મળીને દિલ્હીની ઈનિંગને સ્થિરતા આપી અને ખાસ કરીને સ્પિનર્સ વિરુદ્ધ તોફાની બેટિંગ કરીને મેચનું પાસું પલટી નાખ્યું. આ જીતથી દિલ્હીને એક ભરોસાપાત્ર મેચ વિનર મળ્યો છે, તો બીજી તરફ લખનૌ માટે આ પરાજય એક મોટો બોધપાઠ સમાન રહ્યો છે.

મેરઠની ગલીઓથી IPLના મોટા મંચ સુધીની સફર

સમીરની આ સફળતા પાછળ તેના પિતા હસીન રિઝવીનો અતૂટ વિશ્વાસ અને વર્ષોની મહેનત છુપાયેલી છે. 6 ડિસેમ્બર 2003ના રોજ મેરઠમાં જન્મેલા સમીરના પિતા પ્રોપર્ટી ડીલર છે અને તેઓ ઈચ્છતા હતા કે તેમનો દીકરો આર્થિક તંગીને આડે આવ્યા વગર ક્રિકેટમાં નામ કમાય. સમીરને તેના મામા અને પહેલા કોચ તંકીબ અખ્તરે નાનપણથી જ તાલીમ આપી હતી. ખાસ કરીને સ્પિનર્સ સામે કેવી રીતે રમવું તેની કલા તેણે વર્ષો સુધી મેદાન પર પરસેવો પાડીને શીખી હતી, જેની ઝલક તેણે શાહબાઝ અહેમદ અને એડન માર્કરામ જેવા બોલર્સ સામે રમીને બતાવી દીધી.

ઈન્ટરનેશનલ સ્ટાર્સ પર ભારે પડ્યો 'લોકલ બોય'

ડોમેસ્ટિક ક્રિકેટમાં 2020માં ડેબ્યુ કરનાર સમીર ખરા અર્થમાં 2023ની યુપી T20 લીગથી લાઈમલાઈટમાં આવ્યો હતો, જ્યાં તેણે 35 છગ્ગા સાથે 455 રન ફટકાર્યા હતા. તેની પાવર-હિટિંગ ક્ષમતા જોઈને 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 8.4 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ 2025ના મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે માત્ર 95 લાખમાં તેને પોતાની ટીમમાં સામેલ કરીને જાણે 'દાયકાની સૌથી મોટી ડીલ' કરી લીધી હોય તેમ જણાય છે. સમીરની આતશબાજી પહેલા દિલ્હીના બોલર્સે પણ કમાલ કરી હતી. લુંગી એનગિડી અને ટી. નટરાજનની ઘાતક બોલિંગ (બંનેની 3-3 વિકેટ) સામે લખનૌની ટીમ માત્ર 141 રન બનાવી શકી હતી. લખનૌ માટે આ મેચ એક પાઠ સમાન છે કે ક્યારેક ઈન્ટરનેશનલ સ્ટાર્સ કરતા એ 'લોકલ બોય' વધુ ખતરનાક સાબિત થાય છે જે તમારા ઘરના મેદાનના ખૂણેખૂણાથી વાકેફ હોય છે.