IND vs NZ / ન્યુઝીલેન્ડે 7 વિકેટથી જીતી છેલ્લી મેચ, ભારતે 3-2થી કબજે કરી T20I સિરીઝ

ટીમ ઈન્ડિયાનો પાંચમી અને અંતિમ T20Iમાં ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટથી કારમો પરાજય થયો. હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 191 રન બનાવ્યા. જવાબમાં, યજમાન ટીમે 18 ઓવરમાં ફક્ત 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો. ન્યુઝીલેન્ડ તરફથી વિકેટકીપર-બેટ્સમેન ટિમ સાઈફર્ટે સૌથી વધુ 93 રન બનાવ્યા, જ્યારે ગ્લેન ફિલિપ્સે અણનમ 65 રન બનાવ્યા.
આ હાર છતાં ભારતે પાંચ મેચની T20I સિરીઝ 3-2થી જીતી લીધી. ટીમ ઈન્ડિયાએ પહેલા ત્રણ સતત મેચ જીતીને સિરીઝ પહેલાથી જ સુરક્ષિત કરી લીધી હતી, પરંતુ ત્યારબાદ કિવીઝે છેલ્લી બે મેચ જીતીને શાનદાર વાપસી કરી.
શ્રેયસ અને ઈશાનની અડધી સદીને કારણે ભારતે 191 રન બનાવ્યા
ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પાંચમી T20Iમાં પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી, તેણે ફક્ત 19 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. સ્ટાર ઓપનર અભિષેક શર્મા બે બોલમાં ફક્ત એક રન બનાવીને આઉટ થયો, ત્યારબાદ સંજુ સેમસન 10 બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો. શરૂઆતની નિષ્ફળતા પછી ઈશાન કિશન અને કેપ્ટન શ્રેયસ અય્યરે ઈનિંગને સ્થિર કરી. ઈશાન અને શ્રેયસે 43 બોલમાં ત્રીજી વિકેટ માટે 93 રનની મોટી પાર્ટનરશિપ કરી. ઈશાને આક્રમક ઈનિંગ રમી અને 32 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા.
શ્રેયસે પણ ન્યુઝીલેન્ડના બોલર્સને મુશ્કેલીમાં મુક્યા, માત્ર 23 બોલમાં 50 રન બનાવ્યા. તેણે પોતાની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. બંને આઉટ થયા પછી, તિલક વર્મા પણ મોટી ઈનિંગ બનાવવામાં નિષ્ફળ ગયો, તેણે 8 બોલમાં ફક્ત 6 રન બનાવ્યા. અંતે, નમન ધીરના 33 અને નીતિશના 22 રનની મદદથી ટીમ 191 રન સુધી પહોંચી શકી. ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા. આ દરમિયાન ન્યુઝીલેન્ડ તરફથી એડમ મિલ્નેએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં સૌથી વધુ 4 વિકેટ લીધી. નાથન સ્મિથ અને બ્લેર ટિકનરે 2-2 વિકેટ લીધી.
ન્યુઝીલેન્ડે 18 ઓવરમાં મેચ જીતી લીધી
192 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ન્યુઝીલેન્ડની શરૂઆત સારી નહતી, તેણે પોતાની પહેલી વિકેટ માત્ર 9 રનમાં ગુમાવી દીધી. ફિન એનલ માત્ર 2 રન બનાવીને આઉટ થયો. જોકે, વિકેટકીપર-બેટ્સમેન ટિમ સાઈફર્ટે પોતાની હિંમત જાળવી રાખી અને શાનદાર બેટિંગ કરતા 50 બોલમાં 93 રન બનાવ્યા. જોકે, તે સદી ન પૂર્ણ કરી શક્યો. તેણે પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. આ શાનદાર ઈનિંગ દરમિયાન, સાઈફર્ટે ડેરિલ મિચેલ સાથે બીજી વિકેટ માટે 73 રનની પાર્ટનરશિપ અને ગ્લેન ફિલિપ્સ સાથે ત્રીજી વિકેટ માટે 86 રનની પાર્ટનરશિપ કરી, જેનાથી ટીમ વિજયની નજીક પહોંચી ગઈ.
ફિલિપ્સે 38 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 65 રન બનાવ્યા. સાઈફર્ટ અને ફિલિપ્સની ઈનિંગને કારણે ન્યુઝીલેન્ડે 18 ઓવરમાં ફક્ત 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો અને 7 વિકેટથી મેચ જીતી લીધી. ભારત માટે અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને નીતિશ કુમાર રેડ્ડીએ 1-1 વિકેટ લીધી.






