મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / નીતિશ કુમાર રેડ્ડી બન્યો સુપરમેન, સિરાજની બોલ પર હવામાં કૂદીને ઝડપ્યો અદ્ભુત કેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે

VIDEO / નીતિશ કુમાર રેડ્ડી બન્યો સુપરમેન, સિરાજની બોલ પર હવામાં કૂદીને ઝડપ્યો અદ્ભુત કેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ટીમ પહેલી ઈનિંગમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે પહેલી ઈનિંગમાં 448 રન બનાવ્યા, જેમાં ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી. ભારતે ત્રીજા દિવસે 448 રનના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી દીધી. આ સમયે ભારત પાસે 286 રનની લીડ હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો બીજી ઈનિંગમાં પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા અને લંચ સુધીમાં માત્ર ટીમે 66 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન નીતિશ કુમાર રેડ્ડીએ તેગનારાયણ ચંદ્રપોલનો શાનદાર કેચ ઝડપ્યો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નીતિશ રેડ્ડીએ એક અદ્ભુત કેચ પકડ્યો

મોહમ્મદ સિરાજે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ઈનિંગની આઠમી ઓવર ફેંકી. તેગનારાયણ ચંદ્રપોલે ઓવરના બીજા બોલ પર પુલ શોટ લેવાનો પ્રયાસ કર્યો. જોકે, તે બોલને યોગ્ય રીતે ફટકારવામાં નિષ્ફળ ગયો, અને બોલ સીધો સ્ક્વેર લેગ પર ઉભા રહેલા નીતિશ રેડ્ડી પાસે ગયો. રેડ્ડી બિલકુલ તૈયાર હતો અને તેણે હવામાં ડાઈવ મારીને એક શાનદાર કેચ ઝડપ્યો. એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે જાણે તે હવામાં ઉડી રહ્યો હોય.

ભારત માટે ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી

પહેલી ઈનિંગમાં આખી વેસ્ટ ઈન્ડિઝ ટીમ ફક્ત 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારત માટે પહેલી ઈનિંગમાં કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. આ ખેલાડીઓના કારણે ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 448 રન બનાવ્યા અને ઈનિંગ ડિક્લેર કરી. આનાથી ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના આધારે 286 રનની લીડ મળી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન બીજી ઇનિંગમાં પણ ખરાબ રીતે નિષ્ફળ ગયા.

જાડેજા અને સિરાજે 3-3 વિકેટ લીધી

સમાચાર લખાય છે ત્યાં સુધી બીજી ઈનિંગમાં, વેસ્ટ ઈન્ડિઝે માત્ર 110 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી છે, અને ભારતીય ટીમે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારત માટે રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી છે, જ્યારે કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરને પણ 1-1 સફળતા મળી છે.

આ સમાચાર શેર કરો