મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

એશિયા કપ ટ્રોફી વિવાદ: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે નકવીને સમર્થન આપ્યું

એશિયા કપ 2025ની ફાઇનલ બાદ ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્ય

એશિયા કપ ટ્રોફી વિવાદ: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે નકવીને સમર્થન આપ્યું

એશિયા કપ 2025ની ફાઇનલ બાદ ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ ટ્રોફીને લઈને ચાલતા વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીનું સમર્થન કર્યું છે. હાલમાં ટ્રોફી PCB પાસે છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ મામલે શું કાર્યવાહી કરાશે, તેના પર સૌની નજર રાખીને બેઠા છે.

મોહમ્મદ યુસુફનું નિવેદન

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે કહ્યું હતુ કે, 'ચેરમેન સર (મોહસિન નકવી) જે કંઈ કરી રહ્યા છે તે બિલકુલ સાચું છે. તેમણે સાચો નિર્ણય લીધો છે. ભારતે તે સમયે ટ્રોફી લેવી જોઈતી હતી. ACC અને ICCના નિયમો મુજબ, તે ACC ચીફ તરીકે ત્યાં ઊભા હતા અને ટ્રોફી તેમણે સોંપવી જોઈતી હતી.'

ભારતીય ખેલાડીઓ પર કર્યા પ્રહાર

વધુમાં ટ્રોફી ન લેવાના ભારતીય ખેલાડીઓના નિર્ણય પર યુસુફે આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતુ કે, 'તમે ત્યારે ટ્રોફી લીધી નહીં, તો હવે ઉતાવળ કેમ? જો તમને યાદ આવ્યું કે તમને ટ્રોફી જોઈતી હતી, તો તમારે તેમની ઓફિસમાં જઈને તે લેવી જોઈતી હતી.' 

કેપ્ટન સૂર્યકુમારની ટીકા કરી

યુસુફે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટાંકીને કહ્યું, 'તમે મેદાનમાં તમારી ફિલ્મો બનાવવામાં વ્યસ્ત હતા. મેં તમને તે દિવસે પણ કહ્યું હતું કે, આ ફિલ્મ જગત નથી. આ એક રમત છે, આ ક્રિકેટ છે; ફિલ્મો અહીં ચાલશે નહીં. ફિલ્મોમાં રીટેક વગેરે હોય છે, પણ હીરો બનવું એ અલગ વાત છે. તમે અહીં એક વાસ્તવિક રમત રમી રહ્યા છો, અને હવે તમે કહી રહ્યા છો કે તમને ટ્રોફી જોઈએ છે.'

શું છે સમગ્ર વિવાદ?

એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી ટ્રોફી જીતી હતી. જોકે, PCBના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ મેચ બાદ ભારત સામે ઝેર ઓક્યું હતું. તેથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત આખી ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદની કહાની તો સૌ જાણે છે કે, ભારતીય ખેલાડીઓ ટ્રોફી વિના જ એશિયા કપ જીતવાની ઉજવણી કરી હતી અને નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો