Tennis જગતના દિગ્ગજે બનાવ્યો વિશ્વ રેકોર્ડ, આવું કરનાર પ્રથમ પુરુષ ખેલાડી
નોવાક જોકોવિચે ATP માસ્ટર્સ 1000માં વિશ્વ રેકોર્ડ બના

નોવાક જોકોવિચે ATP માસ્ટર્સ 1000માં વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ ખેલાડી બન્યા છે. સામાન્ય રીતે 38 વર્ષની ઉંમરે તો ઘણા ખેલાડીઓની કારકિર્દીનો અંત આવતો હોય છે પણ ટેનિસની દુનિયામાં કંઈક જૂદું જ થયું છે. 38 વર્ષના નોવાક જોકોવિચે ટેનિસમાં એક એવી મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જે આજ સુધી કોઈ અન્ય દિગ્ગજ હાંસલ કરી શક્યું નથી.
જોકોવિચની ટેનિસમાં મોટી સિદ્ધિ
જોકોવિચ હાલમાં શાંઘાઈ માસ્ટર્સમાં રમી રહ્યા છે, જ્યાં તેમણે ગઈ કાલે 3 ઓક્ટોબરના દિવસે રાઉન્ડ ઓફ 64માં મારિન ક્લિચ સામે મુકાબલો જીતીને ATP માસ્ટર્સ 1000 ઇવેન્ટ્સમાં એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો હતો. જોકોવિચ છ અલગ અલગ ATP 1000 ઇવેન્ટ્સમાં 40 કે તેથી વધુ મેચ જીતનાર પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી બન્યા છે. જોકોવિચે અત્યાર સુધી પોતાના ટેનિસ કારકિર્દીમાં કુલ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે.
જોકોવિચે ક્લિચને બે સીધા સેટમાં હરાવ્યા
શાંઘાઈ માસ્ટર્સમાં નોવાક જોકોવિચે મારિન ક્લિચ સામેનો મુકાબલો ફક્ત બે સેટમાં જીત્યો. તેમણે પહેલો સેટ 7-6 (7-2)થી જીત્યો અને પછી બીજા સેટમાં 6-4થી જીત મેળવીને રાઉન્ડ ઓફ 32માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતુ. શાંઘાઈ માસ્ટર્સમાં આ જોકોવિચનો 40મો વિજય હતો, જે તેમની 40મી ATP માસ્ટર્સ જીત હતી. અગાઉ જોકોવિચે રોમ માસ્ટર્સમાં 68, ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં 51, પેરિસ માસ્ટર્સમાં 50, મિયામી માસ્ટર્સમાં 49 અને સિનસિનાટી માસ્ટર્સમાં 45 જીત મેળવી છે.
જીત બાદ શું કહ્યું આ માસ્ટરે
શાંઘાઈ માસ્ટર્સમાં મારિન ક્લિચ સામેની જીત બાદ જોકોવિચે સ્વીકાર્યું કે તે હજુ પણ તેમની લય શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, "હું કેટલીક મેચોમાં સારું રમી શક્યો ન હતો, મારી છેલ્લી મેચ યુએસ ઓપનમાં હતી, તેથી મારિન સામેની મારી પહેલી મેચ ખૂબ જ મુશ્કેલ હતી. તેણે મને આ મેચમાં શ્વાસ લેવાનો પણ સમય ના આપ્યો હતો., તેથી મને લાગે છે કે હું સારી સર્વિસ સાથે તેની સામે ખુદને આગળ રાખવામાં સફળ રહ્યો."







