T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની 5 યાદગાર મેચ, જ્યારે થંભી ગયા હતા ફેન્સના શ્વાસ
ભારત અને પાકિસ્તાન 9 જૂને (આવતીકાલે) ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે. T20 વર્લ્ડ કપમાં ભારત અ

ભારત અને પાકિસ્તાન 9 જૂને (આવતીકાલે) ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી શાનદાર મેચો રમાઈ છે. આમાંથી કેટલીક મેચોને ટૂર્નામેન્ટના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ મેચ માનવામાં આવે છે. આમાંની સૌથી તાજેતરની મેચ 2022માં રમાઈ હતી, જે બંને ટીમોના ફેન્સ માટે ખૂબ જ યાદગાર છે. જ્યારે પણ બંને ટીમો આમને-સામને હોય છે ત્યારે હાઈ વોલ્ટેજ મેચ જોવા મળે છે.
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 વખત ટક્કર થઈ ચુકી છે, જેમાં ભારત 6-1થી જીત્યું છે. આ વખતે બંને ટીમો 8મી વખત આમને-સામને થશે. આજે આપણે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે રમાયેલી એ 5 મેચ વિશે જણાવીશું જે મેચ દરમિયાન બંને ટીમના ફેન્સના શ્વાસ થંભી ગયા હતા.
ઈડન ગાર્ડન્સમાં કોહલીનો શો
ભારત પ્રથમ વખત 2016 T20 વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું હતું. ઈડન ગાર્ડન્સમાં વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. નિર્ધારિત 18 ઓવરમાં પાકિસ્તાન 5 વિકેટના નુકસાને 118 રન જ બનાવી શક્યું હતું. ટાર્ગેટનો પીછો કરતા ભારત 5 ઓવરમાં 3 વિકેટના નુકસાને માત્ર 23 રન બનાવી શક્યું હતું. આ પછી વિરાટ કોહલીએ 37 બોલમાં અણનમ 55 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને યાદગાર જીત અપાવી હતી.
10 વિકેટે હાર્યાનું દુ:ખ
ODI અને T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનને એકમાત્ર જીત 2021 T20 વર્લ્ડ કપમાં મળી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારત 151 રન જ બનાવી શક્યું હતું. પાકિસ્તાને આ ટાર્ગેટનો સરળતાથી પીછો કર્યો હતો. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ અનુક્રમે 68(52) અને 79(55) રન બનાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. ભારતને 10 વિકેટથી હરાવીને ઊંડો ઘા આપ્યો હતો.
વિરાટ કોહલીનો માસ્ટરક્લાસ
2021માં મળેલી હાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ પીડાદાયક હતી. આ બદલો વર્ષ 2022માં મેલબર્નમાં લેવામાં આવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ઈફ્તિખાર અહેમદની શાનદાર ઈનિંગની મદદથી 159 રન બનાવ્યા હતા. 160 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય ટીમ એક સમયે 39/4 પર હતી. ત્યારબાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા એ શાનદાર રન ચેઝ કર્યો હતો. ચેઝ માસ્ટર કહેવાતા વિરાટ કોહલીએ અણનમ 82* (53) રન બનાવીને અવિશ્વસનીય ઈનિંગ રમી હતી.
સર્વશ્રેષ્ઠ T20 મેચ
2007 વર્લ્ડ કપમાં, ડરબનમાં ગ્રુપ Dની 10મી મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. મોહમ્મદ આસિફની શાનદાર બોલિંગના કારણે ભારત માત્ર 141 રન જ બનાવી શક્યું હતું. લક્ષ્યનો પીછો કરતી વખતે પાકિસ્તાન એક સમયે 87/5 પર સમેટાઈ ગયું હતું. ત્યારબાદ મિસ્બાહ-ઉલ-હકની 53 રનની ઈનિંગની મદદથી પાકિસ્તાનની ટીમે સ્કોર બરાબર કર્યો હતો. T20 વર્લ્ડ કપમાં પ્રથમ અને એકમાત્ર બોલ આઉટમાં ભારતે તેની રણનીતિના આધારે પાકિસ્તાનને હરાવ્યું હતું.
ભારત માટે ઐતિહાસિક ક્ષણ
ODI વર્લ્ડ કપ 2007માં ખરાબ રીતે હાર્યા બાદ, એક યુવા ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2007 માટે મોકલવામાં આવી હતી. ફાઇઈનલમાં પાકિસ્તાનને હરાવીને ભારત પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. ગૌતમ ગંભીરની ઈનિંગ અને ઈરફાન પઠાણની બોલિંગ મેચની હાઇલાઇટ્સ રહી હતી. છેલ્લી ઓવરમાં જોગીન્દર શર્માની બોલિંગ અને મિસ્બાહ-ઉલ-હકને આઉટ કરવા માટે શ્રીસંતનો કેચ ક્રિકેટ ફેન્સના મનમાં અંકિત થઈ ગયો હતો.








