IPL2024: પ્લે ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની KKR, 3 સ્થાન માટે હવે આ 7 ટીમ વચ્ચે ટક્કર
શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ IPL 2024 પ્લે ઓફમાં પહોંચનારી પ્ર

શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ IPL 2024 પ્લે ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઇ છે. 11 મેની રાત્રે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ મુંબઇ ઇન્ડિયન્સને વરસાદથી પ્રભાવિત મેચમાં 18 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લે ઓફમાં પહોંચી ગઇ હતી. હવે બાકી રહેલા ત્રણ સ્થાન માટે 7 ટીમ વચ્ચે ટક્કર છે.
પ્લે ઓફમાં પહોંચવાની રેસમાં રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સ સિવાય દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ગુજરાત ટાઇટન્સ છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે અત્યાર સુધી સારી રહી સિઝન
શ્રેયસ અય્યરની કેપ્ટન્સી અને ગૌતમ ગંભીરની મેન્ટરશિપમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે IPL 2024ની આ સિઝન સારી રહી છે. ટીમે અત્યાર સુધી રમેલી 12 મેચમાંથી 9 મેચ જીતી છે. 18 પોઇન્ટ સાથે KKR IPL 2024 પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. KKR સિવાય અત્યાર સુધી આ સિઝનમાં કોઇ ટીમે આટલી મેચ જીતી નથી. KKRએ આ સિઝનમાં ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સે કોલકાતાને હરાવ્યું છે. IPL ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું છે જ્યારે કોલકાતાની ટીમે મુંબઇને વાનખેડે અને ઇડન ગાર્ડન્સ બન્ને જગ્યાએ હરાવ્યું છે.
ત્રણ સ્થાન માટે 7 ટીમ વચ્ચે રેસ
KKRના પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યા બાદ હવે માત્ર ત્રણ સ્થાન ખાલી છે. મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ટૂર્નામેન્ટની બહાર થયા બાદ હવે 7 ટીમ એવી છે જે પ્લે ઓફની ટિકિટ મેળવી શકે છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આ રેસમાં થોડી આગળ છે કારણ કે રાજસ્થાનના ખાતામાં 16 અને હૈદરાબાદ પાસે 14 પોઇન્ટ છે. રાજસ્થાન એક જીત સાથે પ્લે ઓફમાં પહોંચનારી બીજી ટીમ બની જશે જ્યારે હૈદરાબાદને પ્લે ઓફમાં પહોંચવા માટે 2 જીતની જરૂર છે. હૈદરાબાદ એક જીત સાથે પણ પ્લે ઓફમાં પહોંચી શકે છે પણ તેના માટે તેને અન્ય ટીમના મેચના પરિણામ પર નજર રાખવી પડશે.
અંતિમ અને ચોથા સ્થાન માટે રોમાંચક જંગ જોવા મળી રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટૂર્નામેન્ટમાં આ ત્રણ એવી ટીમ છે જેના ખાતામાં 12-12 પોઇન્ટ છે અને ત્રણેય ટીમ પાસે 16-16 પોઇન્ટ સુધી પહોંચવાની તક છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ગુજરાત ટાઇટન્સ 14-14 પોઇન્ટ મેળવીને આ રેસમાં રહી શકે છે.
ચેન્નાઇ સુપર કિગ્સે જો પ્લે ઓફમાં ક્વોલિફાય કરવું છે તો તેને બાકી રહેલી બન્ને મેચ જીતવી પડશે. CSKની બે મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે છે. જો રાજસ્થાન CSKને હરાવે છે તો તે પ્લે ઓફમાં પહોંચી જશે. જો ચેન્નાઇ બેંગલુરૂને હરાવવામાં સફળ રહેશે તે RCB પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ જશએ. CSK પાસે 14 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પહોંચવાની તક હશે પણ તેના માટે તેને અન્ય ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.
દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો CSK સિવાય આ બન્ને ટીમ એવી છે જે 16-16 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. કોઇ એક ટીમ પાસે જ આમ કરવાની તક હશે. 14 મેએ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર છે. આ મેચમાં જીતનારી ટીમ જ 16 પોઇન્ટ સુધી પહોંચી શકશે.








