'રાતોરાત કંઈ ન બદલાઈ, મારી પાસે કોઈ જવાબ નથી', કેપ્ટન કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં શા માટે કહ્યું આવું?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ આજે (30 નવેમ્બર) રમાશે. રાંચીમાં મેચ પહેલ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ આજે (30 નવેમ્બર) રમાશે. રાંચીમાં મેચ પહેલા, ભારતીય કેપ્ટન કેએલ રાહુલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેણે સ્વીકાર્યું કે હોમ પિચ પર સ્પિન સામે તેની ટીમનો સંઘર્ષ ચિંતાનો વિષય છે. જોકે, તેણે એમ પણ કહ્યું કે હાલમાં તેની પાસે આનો કોઈ જવાબ નથી.
તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાએ 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને ક્લીન સ્વીપ કરી હતી. આ પહેલા, ન્યુઝીલેન્ડે 3 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતનો વ્હાઇટવોશ કર્યો હતો. બંને સિરીઝમાં, ભારતીય બેટ્સમેનો વિદેશી સ્પિનર્સ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
મારી પાસે કોઈ ચોક્કસ જવાબ નથી: કેએલ રાહુલ
રાંચીમાં પ્રથમ ODI પહેલા પ્રેસ કોન્ફરન્સમાં, ભારતીય કેપ્ટન કેએલ રાહુલે કહ્યું, "અમે છેલ્લા કેટલાક સેશનમાં સ્પિન સારી રીતે નથી રમ્યા. મને ખરેખર ખબર નથી કે અમે પહેલા કેમ તે કરી શકતા હતા અને હવે શા માટે નથી કરી શકતા. મારી પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. અમે ફક્ત એટલું કરી શકીએ કે વ્યક્તિગત રીતે અને બેટિંગ ગ્રુપ તરીકે જોઈએ કે કેવી રીતે સારું કરી શકીએ છીએ."
તેણે કહ્યું કે બેટ્સમેનોએ ટેકનિકલ અને રણનીતિક ફેરફારો શોધવા પડશે અને આ એક લાંબી પ્રક્રિયા હશે. રાહુલે વધુમાં કહ્યું, "તે રાતોરાત નથી બદલવાનું. અમારે જે સુધારા કરવાની જરૂર છે તે જોઈશું અને આશા છે કે, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સિરીઝ સુધીમાં, અમે વધુ સારી રીતે તૈયાર થઈશું. અમે એવા સિનિયર ખેલાડીઓ પાસેથી પણ સલાહ લઈશું જેમણે સ્પિનને ખૂબ સારી રીતે રમી છે." રાહુલે એમ પણ કહ્યું કે ભારતીય બેટ્સમેનોએ વ્યક્તિગત રીતે જવાબ શોધવા પડશે અને જો તેઓ સ્પિન સામે પોતાની પારંપરિક લીડ પાછી મેળવવા માંગે છે, તો પોતાની ટેકનિકમાં સુધારો કરવો પડશે.
વિરાટ અને રોહિતની વાપસી વિશે કેએલ રાહુલે શું કહ્યું?
વિરાટ કોહલીના કઠોર ટ્રેનિંગ સેશન વિશે પૂછવામાં આવતા રાહુલે ODI ફોર્મેટમાં સ્ટ્રાઇક રોટેશનના મહત્ત્વને સ્વીકાર્યું. તેણે કહ્યું, "ODIમાં, દરેક રન ચોગ્ગા અને છગ્ગા જેટલો જ મહત્ત્વપૂર્ણ છે. વિરાટ તેમાં માસ્ટર છે. અમે બધા તેની પાસેથી શીખતા રહીએ છીએ. તે તેનાકમબેક માટે ઉત્સાહિત છે અને તેની હાજરી હંમેશા મહત્ત્વપૂર્ણ છે."
કોહલી અને રોહિત શર્મા બંને ટીમમાં પાછા ફરી રહ્યા છે. આ અંગે રાહુલે કહ્યું, "તે બંનેનું મહત્ત્વ કોઈપણ સમયે ખૂબ જ છે. ટીમમાં સિનિયર ખેલાડીઓ હોવાને કારણે ડ્રેસિંગ રૂમમાં વધુ આત્મવિશ્વાસ મળે છે. અમે ખૂબ ખુશ છીએ કે તેઓ અહીં છે. જીત સૌથી મહત્ત્વપૂર્ણ છે અને અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ."
રવિન્દ્ર જાડેજા પર કેએલ રાહુલનું મોટું નિવેદન
રાહુલે માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી પછી પહેલીવાર ODI ટીમમાં જોડાતા રવિન્દ્ર જાડેજાની વાપસીનું વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, "જડુએ ભારત માટે વારંવાર સારું પ્રદર્શન કર્યું છે. તેનો અનુભવ અમારા માટે ખૂબ મોટો છે." રાહુલે એમ પણ કહ્યું કે ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ સ્થિર ટોપ ઓર્ડરને કારણે નિયમિતપણે બહાર રહે છે, પરંતુ તકો ઊભી થશે.
રિષભ પંતનું રમવું મુશ્કેલ છે
રાહુલે કહ્યું કે પ્લેઈંગ ઈલેવનનો નિર્ણય પછીથી લેવામાં આવશે અને રિષભ પંતને સ્થાન આપવા વિશે કંઈ ન કહ્યું. તેણે સ્વીકાર્યું કે પંત ફક્ત બેટ્સમેન તરીકે પણ રમી શકે છે. જોકે, સંકેતો સૂચવે છે કે પંત પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. પ્રેક્ટિસ સેશન દરમિયાન રાહુલ વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો.







