IND vs SA / નવું ફોર્મેટ, નવી સિરીઝ... ODIમાં નવા કોમ્બિનેશન સાથે ઉતરશે ભારત; વિરાટ-રોહિત પર દરેકની નજર
ક્રિકેટમાં દરેક બોલ અને દરેક ફોર્મેટ અનુસાર રણનીતિઓમાં ફેરફાર કરવામાં આવે છે. 25 વર્ષ પછી સાઉથ આફ્રિકા સામે ઘરઆં

ક્રિકેટમાં દરેક બોલ અને દરેક ફોર્મેટ અનુસાર રણનીતિઓમાં ફેરફાર કરવામાં આવે છે. 25 વર્ષ પછી સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવનાર ટીમ ઈન્ડિયા આજે (30 નવેમ્બર) નવા ફોર્મેટ અને નવી સિરીઝમાં પ્રથમ ODI રમશે, ત્યારે તેનું લક્ષ્ય ભૂતકાળની ખામીઓને દૂર કરીને આગળ વધવાનું રહેશે. ત્રણ મેચની ODI સિરીઝની પ્રથમ મેચથી જેટલું ધ્યાન ટીમની જીત પર હશે તેટલું જ ટોમ ઈન્ડિયાને દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર પણ રહેશે.
T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ બંને ખેલાડીઓ, બરાબર બે વર્ષ પછી ઓક્ટોબર-નવેમ્બર 2027માં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પોતાની યોગ્યતા સાબિત કરવા અને ટીમનું મનોબળ વધારવાનો પ્રયાસ કરશે. આગામી વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ODIમાં નંબર વન ટીમ ઈન્ડિયા પોતાનો દબદબો જાળવી રાખવા સાથે છઠ્ઠા નંબર પર રહેલી સાઉથ આફ્રિકા સામે 10 વર્ષથી ઘરઆંગણે ODI સિરીઝ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
ટીમ કોમ્બિનેશનનો પડકાર
ટીમ કોમ્બિનેશન માથાનો દુખાવો બનશે. યશસ્વી ગિલની જગ્યાએ રોહિત સાથે ઈનિંગની શરૂઆત કરે તેવી અપેક્ષા છે. વિરાટ ત્રીજા નંબર પર આવશે. ચોથા નંબર પર શ્રેયસને બદલે તિલક, ઋતુરાજ અથવા રિષભમાંથી કોઈ એક એમી શકે છે. પાંચમા નંબર પર રાહુલ પોતે આવી શકે છે. સુંદર અને જાડેજાને છઠ્ઠા અને સાતમા સ્થાને સમાવવામાં આવે તેવી શક્યતા છે, આ સિવાય નીતિશ, હર્ષિત, અર્શદીપ અને પ્રસિદ્ધને પ્લેઈંગ ઈલેવનમાં સમાવવામાં આવી શકે છે. જો કુલદીપ યાદવને ટીમમાં સમાવવામાં આવે છે, તો નીતિશ અથવા વોશિંગ્ટનમાંથી એકને પડતો મૂકવો પડશે.
સાઉથ આફ્રિકાએ 10 વર્ષથી ભારતમાં ODI સિરીઝ નથી જીતી
સાઉથ આફ્રિકાએ છેલ્લે 2015માં ભારતમાં પાંચ મેચની ODI સિરીઝ 3-2થી જીતી હતી. ભારતે 3-3 મેચની છેલ્લી 2 સિરીઝ 2-1 અને 2-1થી જીતી હતી, એક 2022માં ભારતમાં અને એક 2023માં સાઉથ આફ્રિકાની ધરતી પર રમાઈ હતી. મુલાકાતી ટીમ પાસે કાગીસો રબાડા અને એનરિચ નોર્ટજે નથી, પરંતુ ટેમ્બા બાવુમાના નેતૃત્વમાં, મુલાકાતી ટીમ પાસે ઓલરાઉન્ડર માર્કો યાનસન, લુંગી ન્ગીડી અને કેશવ મહારાજ છે, જે મજબૂત પડકાર ઉભો કરશે. બેટિંગમાં, એડન માર્કરમ, ક્વિન્ટન ડી કોક, બાવુમા, મેથ્યુ બ્રીટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ અને રૂબિન હર્મન તાકાત પૂરી પાડે છે.
રાંચીમાં ચાલે છે વિરાટનું બેટ, રોહિત અહીંથી બન્યો હતો નિયમિત ઓપનર
રાંચીના JSCA સ્ટેડિયમમાં વિરાટ કોહલીનું બેટ સારું ચાલે છે. તેણે અહીં રમાયેલી પાંચ ODI મેચમાં 384 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 1 અડધી સદીનો સમાવેશ થાય છે, આ મેદાનમાં તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 139 રન છે. આ સ્ટેડિયમમાં જ રોહિત શર્માએ 2013માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ODIમાં નિયમિત ઓપનર તરીકેની શરૂઆત કરી હતી. ભારતે આ સ્ટેડિયમમાં 6 ODI રમી છે, જેમાં 3માં જીત મળી છે, જયારે 2માં હાર અને એક મેચ ડ્રો રહી છે. ભારતે આ સ્ટેડિયમમાં 9 ઓક્ટોબર, 2022ના રોજ સાઉથ આફ્રિકા સામે જ છેલ્લી ODI રમી હતી, જેમાં સાત વિકેટથી જીત મેળવી હતી.
પિચ અને હવામાન
રાંચીમાં 270થી 280નો સ્કોર સ્પર્ધાત્મક માનવામાં આવે છે. અહીં ફક્ત એક જ વાર 300થી વધુનો સ્કોર બન્યો છે. પિચ સામાન્ય રીતે ધીમી હોય છે. છેલ્લી ODIમાં, વોશિંગ્ટન સુંદરે ભારત માટે બોલિંગ શરૂ કરી હતી. હવામાનની વાત કરીએ તો તે ક્રિકેટ માટે અનુકૂળ રહેવાની અપેક્ષા છે, પરંતુ ઘણું બધું ઝાકળ પર નિર્ભર રહેશે. કોચ ગૌતમ ગંભીર માટે આ સિરીઝ મહત્ત્વપૂર્ણ રહેશે. ટેસ્ટ હાર બાદ ગંભીરને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. T20 વર્લ્ડ કપ પહેલા ટીમનું પ્રદર્શન તેનું ભવિષ્ય નક્કી કરશે.








