IND vs SA / પહેલી ODIમાં મેદાનમાં ઉતરતા જ રેકોર્ડ બનાવશે રોહિત-વિરાટ, આ મામલે ટોપ પર પહોંચી જશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ 30 નવેમ્બરથી શરૂ થવાની છે. સિરીઝની પહેલી મેચ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો રાંચી પહોંચી ગઈ છે અને તૈયારી કરી રહી છે. આ સિરીઝમાં બધાની નજર ફરી એકવાર ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. રોહિત-વિરાટની જોડી મેદાનમાં ઉતરતાની સાથે જ નવો રેકોર્ડ બનાવશે.
રોહિત-વિરાટની જોડી નવો ઈતિહાસ રચશે
ઓસ્ટ્રેલિયા સામેના તેમના પ્રભાવશાળી પ્રદર્શન પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. રોહિત અને વિરાટલી રાંચીમાં પ્રથમ ODIમાં સાથે રમતા જોવા મળશે. આ સાથે, રોહિત અને વિરાટ એકસાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા ભારતીય જોડી બની જશે.
આ સાથે, રોહિત-વિરાટની જોડી સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડી નાખશે, જેમણે એકસાથે 391 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. હાલમાં, રોહિત-વિરાટની જોડીએ પણ એકસાથે 391 મેચ રમી છે. વિશ્વમાં એકસાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમવાનો રેકોર્ડ સંગાકારા અને જયવર્ધનેના નામે છે, જેમણે એકસાથે કુલ 550 મેચ રમી છે.
એકસાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ભારતીય જોડી
- રોહિત-કોહલી - 391 મેચ
- સચિન-દ્રવિડ - 391 મેચ
- દ્રવિડ-ગાંગુલી - 369 મેચ
- સચિન-કુંબલે - 367 મેચ
- સચિન-ગાંગુલી - 341 મેચ
- કોહલી-જાડેજા - 309 મેચ
ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝનો બદલો લેવા ઈચ્છશે
ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝમાં 0-2થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, ટીમ ઈન્ડિયા આફ્રિકન ટીમ સાથે સ્કોર સેટલ કરવાના ઈરાદા સાથે ODI સિરીઝના મેદાનમાં ઉતરશે. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિરાટ કોહલી પણ છેલ્લી ODIમાં અડધી સદી ફટકારીને ફોર્મમાં પાછો ફર્યો છે. હવે, ફેન્સ સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં બંને પાસેથી દમદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.
ODI સિરીઝનું શેડ્યૂલ
- પહેલી ODI - 30 નવેમ્બર, રાંચી
- બીજી ODI - 3 ડિસેમ્બર, રાયપુર
- ત્રીજી ODI - 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ

