DC vs KKR / કોલકાતાના બેટ્સમેનોએ એક જ મેચમાં તોડ્યા અનેક રેકોર્ડ, વિઝાગમાં રચ્યો ઈતિહાસ
વિશાખાપટ્ટનમમાં બુધવારની રાત કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોના નામે રહી હતી. IPL 2024ની 16મી મેચમાં KKRના બેટ્સમે

વિશાખાપટ્ટનમમાં બુધવારની રાત કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોના નામે રહી હતી. IPL 2024ની 16મી મેચમાં KKRના બેટ્સમેનોએ અનેક મોટા પરાક્રમ હતા. કોલકાતાની ઈનિંગમાં બોલ મેદાન કરતાં મેદાનની બહાર વધુ જોવા મળ્યો હતો. 20 ઓવરની ઈનિંગમાં કેકેઆરના બેટ્સમેનોએ 22 ચોગ્ગા અને 18 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. કોલકાતાએ IPLના ઈતિહાસમાં બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો અને સનરાઈઝર્સ હૈદરાબાદનો રેકોર્ડ તૂટતા રહી ગયો.
બીજો સૌથી વધુ સ્કોર
કોલકાતા નાઈટ રાઈડર્સે IPLના ઈતિહાસમાં બીજા નંબરનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. દિલ્હી કેપિટલ્સ સામે, KKRએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 272 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણે તોફાની શૈલીમાં બેટિંગ કરી અને 39 બોલમાં 85 રન બનાવ્યા. તે જ સમયે, નવોદિત અંગકૃષ રઘુવંશી પણ પાછળ ન રહ્યો અને તેણે 27 બોલમાં 54 રન બનાવ્યા. છેલ્લી ઓવરોમાં રસલે પોતાના મસલ પાવરની મદદથી 19 બોલમાં 41 રન બનાવ્યા હતા જ્યારે રિંકુ સિંહે 8 બોલમાં 26 રન બનાવ્યા હતા.
સૌથી વધુ છગ્ગા
KKRએ પોતાની ઈનિંગ દરમિયાન 18 સિક્સ ફટકારી હતી, જે એક નવો રેકોર્ડ પણ છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ IPL મેચમાં માત્ર 17 સિક્સ મારી શકી હતી. ટીમે વર્ષ 2018માં આ સિદ્ધિ મેળવી હતી. 18માંથી 7 છગ્ગા માત્ર નારાયણના બેટમાંથી જ આવ્યા હતા, જ્યારે ત્રણ છગ્ગા અંગકૃષ અને એટલી જ છગ્ગા રસલે ફટકાર્યા હતા.
દિલ્હી સામે સૌથી વધુ છગ્ગા
કોલકાતા નાઈટ રાઈડર્સ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં સૌથી વધુ સિક્સ મારનારી ટીમ પણ બની ગઈ છે. આ પહેલા દિલ્હી સામે કોઈ ટીમ 18 સિક્સ મારી શકી ન હતી.
T-20માં પાંચમો સર્વોચ્ચ સ્કોર
KKRએ માત્ર IPLમાં જ નહીં પરંતુ T20 ક્રિકેટમાં પણ પાંચમો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. T-20 ક્રિકેટમાં બોર્ડ પર સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ નેપાળના નામે છે. વર્ષ 2023માં નેપાળે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા હતા.








