ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ સામે મોટી મુશ્કેલી, કેન વિલિયમસને છોડી કેપ્ટનશિપ, હવે કોણ બનશે કપ્તાન?
T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. જે બાદ હવે ટીમના કેપ્ટન કેન વિલિયમસન

T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. જે બાદ હવે ટીમના કેપ્ટન કેન વિલિયમસને કીવી ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. આ સિવાય વિલિયમસને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લેવાનો પણ ઈન્કાર કરી દીધો છે. વાસ્તવમાં, આ પ્રથમ વખત છે જ્યારે કેન વિલિયમસનની કપ્તાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ લીગ મેચોમાં ખરાબ પ્રદર્શન બાદ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આ વખતે કીવી ટીમ સુપર-8માં પણ જગ્યા બનાવી શકી નથી. આ પછી વિલિયમસને આ મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે માહિતી આપી
આ માહિતી આપતા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કહ્યું કે કેન વિલિયમસને વર્ષ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લેવાનો ઇનકાર કરી દીધો છે. ન્યુઝીલેન્ડ માટે 350થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા અનુભવી ખેલાડી કેન વિલિયમસને ODI અને T20 ટીમનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. જો કે વિલિયમસન ટેસ્ટમાં ટીમની કપ્તાની કરતો જોવા મળશે.
શું છે કેપ્ટનશિપ છોડવાનું કારણ?
કેન વિલિયમસનને આ વર્ષે બહુ ઓછી ગેમ રમવાની તક મળી. બીજી તરફ ઈજાના કારણે પણ તે ટીમની બહાર રહ્યો છે. એટલા માટે તેણે આ સિઝનમાં કોન્ટ્રાક્ટ ન લેવાનો નિર્ણય કર્યો છે કારણ કે હવે ટીમમાં એવા યુવા ખેલાડીઓ છે જેઓ તમામ ફોર્મેટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, તેથી કેન આ સ્થાન લેવા માંગતો નથી.
ODI અને T20માં કોણ બનશે કેપ્ટન?
કેન વિલિયમસને લાંબા સમય સુધી ODI અને T20 ક્રિકેટમાં ન્યુઝીલેન્ડની ટીમની કેપ્ટનશિપ કરી છે. પરંતુ હવે ટીમને ટૂંક સમયમાં નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે. ત્યારે ફેન્સના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે હવે કીવી ટીમનો નવો કેપ્ટન કોણ હશે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.






