જસપ્રીત બુમરાહે ચેન્નાઈમાં કર્યું કારનામું, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 400 વિકેટ લેનાર 10મો ભારતીય બોલર બન્યો
ચેન્નાઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી

ચેન્નાઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી છે. બુમરાહે આ મેચમાં 400 ઈન્ટરનેશનલ વિકેટ પૂરી કરી લીધી છે. તે 400 કે તેથી વધુ ઈન્ટરનેશનલ વિકેટ લેનારો ભારતનો 10મો બોલર છે. બુમરાહે પૂર્વ ભારતીય બોલર હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે તે એક ખાસ યાદીમાં પણ સામેલ થયો છે.
બુમરાહે ભારત માટે અત્યાર સુધીમાં 196 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેણે 227 ઈનિંગ્સમાં 400 વિકેટ ઝડપી છે. બુમરાહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એક ઈનિંગમાં 19 રનમાં 6 વિકેટ લેવાનું હતું. બુમરાહે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે પણ ઘાતક બોલિંગ કરી છે.
બુમરાહે ભજ્જીનો રેકોર્ડ તોડ્યો
બુમરાહે હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો છે. તેણે ભારત માટે સૌથી ઓછી ઈનિંગ્સમાં 400 વિકેટ લેવાના મામલે ભજ્જીને પાછળ છોડી દીધો છે. બુમરાહે 227 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે હરભજને 237 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં રવિચંદ્રન અશ્વિન ટોપ પર છે. તેણે 216 ઈનિંગ્સમાં 400 વિકેટ ઝડપી હતી. જ્યારે કપિલ દેવે 220 ઈનિંગ્સમાં 400 વિકેટ પૂરી કરી હતી.
ફાસ્ટ બોલરોની યાદીમાં બુમરાહ છઠ્ઠા નંબર પર છે
ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલરોની યાદીમાં બુમરાહ છઠ્ઠા સ્થાને આવી ગયો છે. આ લિસ્ટમાં કપિલ દેવ ટોપ પર છે. તેણે 687 વિકેટ લીધી છે. ઝહીર ખાન 610 વિકેટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર જવાગલ શ્રીનાથ છે. તેણે 551 વિકેટ લીધી છે.
બાંગ્લાદેશ સામે બુમરાહનો પાયમાલ
ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ દરમિયાન જસપ્રિત બુમરાહે જોરદાર બોલિંગ કરી હતી. તેણે 11 ઓવરમાં 50 રન આપીને 4 વિકેટ ઝડપી છે. આ દરમિયાન 1 મેડન ઓવર પણ નાખી હતી. બુમરાહે શાદમાન ઈસ્લામ, મુશફિકુર રહીમ, હસન મહમૂદ અને તસ્કીન અહેમદને આઉટ કર્યા હતા.








