U19 World Cup / ભારતની જીતનો સિલસિલો જારી, ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું; અંબરીશ બાદ આયુષ-વૈભવ ચમક્યા

શનિવારે ભારતીય ટીમે ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેનો મુકાબલો બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયો હતો. DLS નિયમ હેઠળ ભારતીય ટીમને 37 ઓવરમાં 130 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદને કારણે મેચ 37-37 ઓવરની કરવામાં આવી હતી. ભારતે 130 રનનો ટાર્ગેટ માત્ર 14 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતે DLS નિયમ હેઠળ USAને 6 વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ તેણે DLS નિયમ હેઠળ બાંગ્લાદેશ સામે 18 રનથી જીત મેળવી હતી. હવે ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું છે એટલે કે વર્લ્ડ કપમાં ભારતનો જીતની સિલસિલો જારી છે. પોઈન્ટ્સ ટેબલમાં ગ્રુપ Bમાં ભારતીય ટીમ 6 પોઈન્ટ સાથે ટોપ પર છે.
આવી રહી ભારતની બેટિંગ
130 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમની શરૂઆત સારી નહતી. વૈભવ સૂર્યવંશી અને એરોન જોર્જે ઈનિંગની શરૂઆત કરી હતી, પરંતુ બીજી જ ઓવરમાં એરોને પોતાની વિકેટ ગુમાવી દીધી. જોકે, આયુષે વૈભવ સાથે મળીને ઈનિંગને સ્થિર કરી. બંને ખેલાડીઓએ અડધી સદીની પાર્ટનરશિપ પણ કરી. ભારતને બીજો ઝટકો ત્યારે લાગ્યો, જ્યારે વૈભવ 87 રનના કુલ સ્કોર પર આઉટ થયો. વૈભવે 23 બોલમાં 40 રન બનાવ્યા હતા. વૈભવે પોતાની ઈનિંગમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતીય કેપ્ટન આયુષે અડધી સદી ફટકારતા 27 બોલમાં 53 રન બનાવ્યા હતા. આયુષે આ ઈનિંગમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. તેની વિકેટ 101 રનના કુલ સ્કોર પર પડી હતી. આ પછી, વિહાન મલ્હોત્રા અને વેદાંત ત્રિવેદીએ ઈનિંગ સંભાળી અને ભારતને જીત અપાવી.
ન્યુઝીલેન્ડની ઈનિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ન્યુઝીલેન્ડે 36.2 ઓવરમાં 135 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી, જેમાં ટીમે 9 રનના કુલ સ્કોર પર હ્યુગો બોગ (4 રન) અને કેપ્ટન ટોમ જોન્સ (2 રન) ની વિકેટ ગુમાવી હતી. બંને બેટ્સમેનોને આરએસ અંબરીશે આઉટ કર્યા હતા. ત્યારબાદ હેનિલ પટેલે આર્યન માન (5 રન) ને આઉટ કરીને ભારતનો ત્રીજી સફળતા અપાવી.
આરએસ અંબરીશની પ્રભાવશાળી બોલિંગ ચાલુ રહી, તેણે વિકેટકીપર-બેટ્સમેન માર્કો અલ્પેને માત્ર 1 રનમાં આઉટ કર્યો. ત્યારબાદ ખિલાન પટેલે સ્નેહિથ રેડ્ડી (10 રન) ને આઉટ કરીને ન્યુઝીલેન્ડને પાંચમો ઝટકો આપ્યો. જેકબ કોટર અને જસકરણ સંધુએ છઠ્ઠી વિકેટ માટે 37 રન ઉમેરીને કિવી ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. જસકરણ (18 રન) ને કનિષ્ક ચૌહાણ દ્વારા આઉટ કરવામાં આવ્યો. કોટરને મોહમ્મદ અનન દ્વારા 23 રનમાં આઉટ કરવામાં આવ્યો હતો.
69 રન પર સાતમી વિકેટ ગુમાવ્યા બાદ કેલમ સેમસન અને સેલ્વિન સંજયે મળીને કિવી ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો. બંનેએ આઠમી વિકેટ માટે 53 રનની પાર્ટનરશિપ કરી. સેમસને 48 બોલમાં અણનમ 37 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગો પણ સામેલ હતો. સંજયે 30 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું અને પછી આરએસ અંબરીશની બોલ પર આઉટ થયો. કિવી ટીમની છેલ્લી બે વિકેટ ફ્લાયન મોર (1 રન) અને મેસન ક્લાર્ક (4 રન) ના રૂપમાં પડી. ભારત તરફથી અંબરીશે સૌથી વધુ 4 વિકેટ લીધી, જ્યારે હેનિલ પટેલે 3 વિકેટ લીધી.
અંડર-19 વર્લ્ડ કપ નામિબિયા અને ઝિમ્બાબ્વે દ્વારા સહ-યજમાનીમાં રમાઈ રહ્યો છે. આ મેચો હરારે, બુલાવાયો અને વિન્ડહોકમાં રમાઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમને ગ્રુપ Bમાં રાખવામાં આવી છે, જેમાં ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને USAનો પણ સમાવેશ થાય છે. અંડર-19 વર્લ્ડ કપની વર્તમાન આવૃત્તિની ફાઈનલ મેચ 6 ફેબ્રુઆરીએ હરારેમાં રમાશે.

