શુભમન ગિલની ન્યુઝીલેન્ડ પ્રવાસની તૈયારી પર પાણી ફરી વળ્યું, રણજી ટ્રોફીમાં પહેલી ઈનિંગમાં 1 રન બનાવી બોલ્ડ થયો

ન્યુઝીલેન્ડના છ અઠવાડિયાના પ્રવાસ માટે રવાના થતા પહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલઈ રણજી ટ્રોફીમાં વાપસી નિરાશાજનક રહી. રવિવારે ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં છત્તીસગઢ સામે પંજાબ તરફથી રમતા ગિલ સસ્તામાં આઉટ થયો. 27 વર્ષીય ખેલાડી, જે લાલ બોલથી મેચ પ્રેક્ટિસ અને લય મેળવવાના ઈરાદા સાથે આવ્યો હતો, તે ફક્ત એક રન બનાવીને ક્લીન બોલ્ડ થયા પહેલા ક્રીઝ પર ફક્ત પાંચ બોલ ટકી શક્યો.
શુભમન ગિલ ક્લીન બોલ્ડ થયો
પંજાબની પહેલી ઈનિંગ દરમિયાન શુભમન ગિલ ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેણે ફક્ત પાંચ બોલનો સામનો કર્યો અને ફક્ત એક રન જ બનાવી શક્યો. ગિલની વિકેટ છત્તીસગઢના લેફ્ટ આર્મ સ્પિનર અજય મંડલને મળી, જેણે પોતાની સચોટ બોલિંગથી ભારતીય કેપ્ટનની મિડલ સ્ટમ્પને ઉખેડી નાખી. અજય મંડલનો એક બોલ પિચ પર પડ્યો અને તેની લાઇન જાળવી રાખીને અંદર આવ્યો. ગિલ લાઈનને સમજી શકે અને ડિફેન્ડ કરી શકે તે પહેલા બોલ ઝડપથી તેના બેટ અને પેડ વચ્ચેના ગેપમાંથી પસાર થઈને મિડલ સ્ટમ્પ પર વાગ્યો. આમ, પહેલા જ સેશનમાં મોટી ઈનિંગની તેની આશા પર પાણી ફરી વળ્યું.
ન્યુઝીલેન્ડમાં ગિલનો વાસ્તવિક ટેસ્ટ
રણજી ટ્રોફીનો પહેલો રાઉન્ડમાં મિસ કર્યા પછી ગિલે પોતાની લય પાછી મેળવવા માટે બીજા રાઉન્ડમાં રમવાનું નક્કી કર્યું. ભારત ટૂંક સમયમાં ન્યુઝીલેન્ડના છ અઠવાડિયાના પ્રવાસ પર જશે. ગિલ પાંચ મેચની ODI સિરીઝમાં પહેલી ત્રણ મેચમાં અને બે મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
ODI વર્લ્ડ કપ 2027ની તૈયારી માટે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં પહોંચવાની તેની આશાઓને જીવંત રાખવા માટે આ પ્રવાસ ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે. તેથી, વિદેશી ધરતી પર ઝડપી પિચનો સામનો કરતા પહેલા ઘરની ધરતી પર સ્પિનર સામે ગિલનું આઉટ થવું, ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનું કારણ બની શકે છે.






