ભારતનું પેરિસ પેરાલિમ્પિકમાં અભિયાન સમાપ્ત, ઐતિહાસિક પ્રદર્શન સાથે જીત્યા 7 ગોલ્ડ મેડલ, ટોક્યોનો રેકોર્ડ તોડ્યો
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. આ પેરાલિમ્પિકમાં ભારતે કુલ 29 મેડલ જીતી

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. આ પેરાલિમ્પિકમાં ભારતે કુલ 29 મેડલ જીતીને ટોક્યો પેરાલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો હતો. ત્રણ વર્ષ પહેલા ભારતે 19 મેડલ જીત્યા હતા. હવે દેશે પેરા ગેમ્સના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
25 મેડલનો ટાર્ગેટ પાર કર્યો
આ વખતે ભારતે 25 મેડલના ટાર્ગેટ સાથે આ ગેમ્સમાં પ્રવેશ કર્યો હતો. આ પેરાલિમ્પિક દરેક રીતે ભારત માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ પેરાલિમ્પિક સાબિત થઈ છે. અવની લેખરાના ગોલ્ડથી શરૂ થયેલા અભિયાનનો અંત નવદીપ સિંહના ગોલ્ડ સાથે થયો છે. પેરિસ પેરાલિમ્પિકમાં 84 પેરા એથ્લેટ્સે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ટોક્યો પેરાલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો
પેરિસ પેરાલિમ્પિક ભારત માટે સૌથી સફળ પેરાલિમ્પિક સાબિત થઈ છે. ટોક્યો પેરાલિમ્પિક 2020 આ પહેલા ભારતની સૌથી સફળ પેરાલિમ્પિક રહી હતી. તેમાં ભારતે 54 એથ્લેટ્સ મોકલ્યા હતા અને 19 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં પોતાનો 20મો મેડલ જીતતાની સાથે જ ટોક્યો પેરાલિમ્પિકનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઉપરાંત 7 ગોલ્ડ જીતીને ભારતે ટોક્યોનો 5 ગોલ્ડનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ ટેલીમાં ભારતનો રેન્ક 24 હતો, જે અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેન્ક છે. આ વખતે દેશ 29 મેડલ સાથે 19મા સ્થાને છે. આ ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હશે.
પેરાલિમ્પિક 2024માં મેડલ જીતનાર એથ્લેટ્સ
- અવની લેખરા: ગોલ્ડ મેડલઃ પેરા શૂટિંગ
- મોના અગ્રવાલ: બ્રોન્ઝ મેડલ: પેરા શૂટિંગ
- પ્રીતિ પાલ: બ્રોન્ઝ મેડલ: પેરા એથ્લેટિક્સ
- મનીષ નરવાલઃ સિલ્વર મેડલઃ પેરા શૂટિંગ
- રૂબીના ફ્રાન્સિસ: બ્રોન્ઝ મેડલ: પેરા શૂટિંગ
- પ્રીતિ પાલ: બ્રોન્ઝ મેડલ: પેરા એથ્લેટિક્સ
- નિષાદ કુમાર: સિલ્વર મેડલ: પેરા એથ્લેટિક્સ
- યોગેશ કથુનિયાઃ સિલ્વર મેડલઃ પેરા એથ્લેટિક્સ
- નીતિશ કુમાર: ગોલ્ડ મેડલ: પેરા બેડમિન્ટન
- મનીષા રામદાસઃ બ્રોન્ઝ મેડલઃ પેરા બેડમિન્ટન
- તુલસીમતી મુરુગેસન: સિલ્વર મેડલ: પેરા બેડમિન્ટન
- સુહાસ: સિલ્વર મેડલ: પેરા બેડમિન્ટન
- રાકેશ કુમાર/શીતલ દેવી: બ્રોન્ઝ મેડલ: પેરા તીરંદાજી
- સુમિત અંતિલઃ ગોલ્ડ મેડલઃ પેરા એથ્લેટિક્સ
- નિત્યા શ્રી સિવન: બ્રોન્ઝ મેડલ: પેરા બેડમિન્ટન
- દીપ્તિ જીવનજી: બ્રોન્ઝ મેડલ: પેરા એથ્લેટિક્સ
- અજીત સિંહઃ સિલ્વર મેડલઃ પેરા એથ્લેટિક્સ
- સુંદર સિંહ ગુર્જર: બ્રોન્ઝ મેડલ: પેરા એથ્લેટિક્સ
- શરદ કુમાર: સિલ્વર મેડલ: પેરા એથ્લેટિક્સ
- મરિયપ્પન થંગાવેલુ: બ્રોન્ઝ મેડલ: પેરા એથ્લેટિક્સ
- સચિન સરજેરાવ: સિલ્વર મેડલ: પેરા એથ્લેટિક્સ
- ધરમબીર: ગોલ્ડ મેડલ: પેરા એથ્લેટિક્સ
- પ્રણવ સુરમાઃ સિલ્વર મેડલઃ પેરા એથ્લેટિક્સ
- હરવિન્દર સિંહ: ગોલ્ડ મેડલ: પેરા તીરંદાજી
- કપિલ પરમાર: બ્રોન્ઝ મેડલ: પેરા જુડો
- પ્રવીણ કુમાર: ગોલ્ડ મેડલ: પેરા એથ્લેટિક્સ
- હોકાતો સેમા: બ્રોન્ઝ મેડલ: પેરા એથ્લેટિક્સ
- સિમરન શર્મા: બ્રોન્ઝ મેડલ: પેરા એથ્લેટિક્સ
- નવદીપ સિંહ: ગોલ્ડ મેડલ: પેરા એથ્લેટિક્સ
પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો ઇતિહાસ
પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત 1960માં રોમ પેરાલિમ્પિક ગેમ્સ સાથે થઈ હતી. જો કે, ભારતે 1960 અને 1964માં ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો ન હતો. 1968ની તલ અવીવ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત કોઈ મેડલ જીતી શક્યું ન હતું, જ્યારે 1972ની હાઈડલબર્ગ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે ભારતનો રેન્ક 25 હતો. ભારતે 1976ની ટોરોન્ટો અને 1980ની અર્નહેમ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો ન હતો. ભારતે 1984ના પેરાલિમ્પિકમાં ચાર મેડલ જીત્યા હતા અને 37મું સ્થાન મેળવ્યું હતું. ભારત 1988 સિઓલ, 1992 બાર્સેલોના, 1996 એટલાન્ટા, 2000 સિડની પેરાલિમ્પિક અને 2008 બેઈજિંગ પેરાલિમ્પિક્સમાં કોઈ મેડલ જીતી શક્યું ન હતું.
ભારતે 2004 એથેન્સ પેરાલિમ્પિકમાં બે મેડલ જીત્યા હતા, જ્યારે 2012 લંડન પેરાલિમ્પિકમાં એક અને 2016 રિયો પેરાલિમ્પિકમાં 4 મેડલ જીત્યા હતા. ભારત 2004માં 53મા, 2012માં 67મા અને 2016માં 43મા ક્રમે હતું. હવે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સના નિરાશાજનક પ્રદર્શન બાદ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સે દેશવાસીઓના ચહેરા પર ખુશી લાવી દીધી છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ છ મેડલ જીત્યા હતા. જ્યારે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે 7 ગોલ્ડ સહીત કુલ 29 મેડલ જીત્યા છે.








