પાકિસ્તાન સામે ભારતની 'નો-હેન્ડશેક પોલિસી'! હરમનપ્રીત કૌરે મેદાન પર જ બતાવી દીધું પોતાનું વલણ!

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલાં જ બંને દેશો વચ્ચેની પરંપરાગત કડવાશ મેદાન પર જોવા મળી હતી. મેચના ટોસ સમયે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના વચ્ચે સામાન્ય સૌજન્ય એટલે કે હાથ મિલાવવાની પરંપરા જોવા મળી નહોતી, જેના કારણે સોશિયલ મીડિયા અને ક્રિકેટ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ટોસ દરમિયાન જોવા મળ્યું અંતર: 'નો-હેન્ડશેક' નીતિ યથાવત
સામાન્ય રીતે ક્રિકેટમાં ટોસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને ટીમના કેપ્ટન એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે, પરંતુ આ મુકાબલામાં બંને સુકાનીઓ વચ્ચે આ અંતર સ્પષ્ટપણે નજરે પડ્યું હતું. નોંધનીય છે કે આ કોઈ પહેલી ઘટના નથી; ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન સામેની મેચોમાં 'નો-હેન્ડશેક' એટલે કે હાથ ન મિલાવવાની નીતિ અપનાવતી આવી છે. અગાઉ ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન પણ આ બંને કેપ્ટનો આમને-સામને આવી ત્યારે આવો જ નજારો જોવા મળ્યો હતો.
હરમનપ્રીત કૌરનું સ્પષ્ટ નિવેદન
ટોસ દરમિયાન જ્યારે હરમનપ્રીત કૌરને મેદાન બહારની ચર્ચાઓ અને વિવાદો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ટીમનું સંપૂર્ણ ધ્યાન માત્ર ને માત્ર પોતાના રમત-પ્રદર્શન પર છે. મેદાન બહાર શું ચાલી રહ્યું છે કે બહારની વાતો શું છે, તેના પર તેમનું કે ટીમનું કોઈ ધ્યાન નથી.
પાકિસ્તાને જીત્યો ટોસ, ભારતે સેમિફાઇનલમાં બનાવી લીધી છે જગ્યા
મેચની સ્થિતિ જોઈએ તો પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ, ભારતીય ટીમ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહેલેથી જ સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે અને પોતાના વિજયરથને જાળવી રાખવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરી છે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન:
-
ભારત (મહિલા ટીમ): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતીકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ.
-
પાકિસ્તાન (મહિલા ટીમ): મુનીબા અલી (વિકેટકીપર), શાવાલ ઝુલ્ફિકાર, ગુલ ફિરોઝા, આયશા ઝફર, સદફ શમાસ, ફાતિમા સના (કેપ્ટન), ઉમ્મ-એ-હાની, એયમાન ફાતિમા, તુબા હસન, નાશરા સંધૂ, સાદિયા ઇકબાલ.

